અમરેલીના સુરગપરા ગામે બોરમાં દોઢ વર્ષની બાળકી ફસાઈ; હાલ ચાલી રહ્યું છે રેકસ્યું ઓપરેશન
અમરેલી: ખેતી વિસ્તારોમાં ખુલ્લા બોરમાં નાના બાળકો પડી જવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક ઘટના અમરેલીના સુરગપરા (Amreli Suragpara) ગામની સીમમાં બની હતી. અહી ખેતીમાં મજૂરીકામ કરતાં પરપ્રાંતીય મજૂરની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ છે, જો કે હાલ તેને ઓક્સિઝન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને તેની બચાવ કામગીરી ચાલી રહી છે.
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના સુરગપરા ગામે ભનુભાઈ ભીખાભાઇ કાકડિયાની વાડીમાં મજૂરી કામ કરતાં પરપ્રાંતીય મજૂરની દોઢ વર્ષની બાળકી રમતી હતી ત્યારે ખેતરમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી. જો ઘટનાની જાણ નકારવામાં આવતા 108ની ટીમ અને અમરેલી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલ બાળકી લગભગ 45 થી 50 ફૂટ ઊંડે બોરમાં ફસાઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે તેની બચાવ કામગીરી પણ તંત્ર દ્વારા ચાલી રહી છે અને આ દરમિયાન તેને ઑક્સીજન સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે તેમજ કેમેરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
અમરેલીના સુરગપરા ગામે ભનુભાઈ ભીખાભાઇ કાકડિયાની વાડીમાં આ બનાવ બન્યો હતો. જો કે આ બાદ સાંસદ ભરત સુતરીયા પણ કલેકટર સાથેની મિટિંગ રદ્દ કરીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા તો ધારાસભ્ય જનક તળાવીયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે હાલ બાળકીને બહાર કાઢવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરીમાં રાજુલાથી રોબોટ પણ આવી રહ્યો છે, જેની મદદ બચાવ કામગીરીમાં લેવામાં આવશે.