ઑપરેશન ફરારઃ પોલીસે આરોપીને 14 વર્ષ પછી પકડ્યો ત્યારે તે ચણા વેચતો હતો

સુરતઃ શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ઑપરેશન ફરાર અંતગર્ત જેમના પર ઈનામો જાહેર થયા છે તેવા આરોપીઓને પકડવાનું અભિયાન ચલાવ્યું છે. આ અંતર્ગત અગાઉ 19 વર્ષથી નાસતો ફરતો આરોપી મુંબઈથી ઝપાયો હતો ત્યારે હવે એક બીજો હત્યાનો આરોપી રાયપુરથી ઝડપાયો છે.
સુરત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર 2009માં સુરત ગ્રામ્ય (ગ્રામ્ય) પોલીસના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા. તે દરમિયાન પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ફરાર થઈ ગયો હતો. આ આરોપી 14 વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસની ટીમે તેના ગામના ઘણા ધક્કા ખાધા પરંતુ તે હાથ આવ્યો નહીં. અગાઉ એવી બાતમી મળી હતી કે તે ચિત્રકુટમાં છુપાયેલો છે. પોલીસ ત્યાં પણ ગઈ પણ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આરોપી સતત ભાગતો ફરતો હોવાને લીધે પોલીસે ખાલી હાથ પરત આવવું પડતું હતું. જોકે આરોપીના સોશિયલ મીડિયા અકાઉન્ટે આ વખતે પોલીસને મદદ કરી. પોલીસને ફરી માહિતી મળી કે તે છત્તીસગઢના રાયપુરમાં છે. અહીં તે ઓળખ, વેશભૂષા બદલી ચણા વેચી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. હવે તેને ઓલખવો પણ પોલીસ માટે અઘરું કામ હતું. પોલીસે તેની ઓળખ માટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની મદદ લીધી હતી.
આરોપીના અકાઉન્ટમાંથી ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા અને જૂના ફોટોગ્રાફ્સ સાથે મેચ કરવામાં આવ્યા હતા. આ પછી તેની પૂછપરછ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી. જોકે પહેલા પોલીસે ઘણું પ્લાનિંગ કર્યું ને વેષભૂષા બદલી સ્થાનિકોની જેમ આ વિસ્તારમાં રહ્યા પણ ખરા. ઘણા દિવસો સુધી સુધી આરોપી પર નજર રાખી. આ પછી તે રાયપુરના અટલ એક્સપ્રેસ વે પર ચણા વેચતો પકડાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.