આપણું ગુજરાતમહારાષ્ટ્ર

MTHL જમીન સંપાદન મુદ્દે હાઈ કોર્ટે ખેડૂતોના હિતમાં કરી મોટી વાત, સરકારનો નિર્ણય રદ

મુંબઈ: નવી મુંબઈ અને મુંબઈને જોડતા શિવડી-ન્હાવા શેવા સી લિન્ક (Atal Setu) નિર્માણ માટે જમીન સંપાદન મામલે બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેની સાથે એમટીએચએલ માટે જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલા સરકારના નિર્ણયને પણ રદ કર્યો હતો.

જોકે હવે અટલ સેતુના બાંધકામ અને ઉદ્ઘાટન થયા બાદ તેને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે. જેથી હાઈ કોર્ટે અટલ સેતુ બાંધવા માટે લીધેલી જમીનની રકમ નવા જમીન સંપાદન કાયદા 2013 મુજબ ખેડૂતોને વળતર આપવાનો આદેશ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2009માં અટલ સેતુના બાંધકામ માટે નવી મુંબઈના જસઈ ગામના ખેડૂતો પાસેથી સાત હેક્ટર કરતાં વધુની જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી. આ જમીનને જૂના જમીન સંપાદન કાયદા 1894 હેઠળ લેવામાં આવી હતી, ત્યાર બાદ આ જમીનને સિડકો અને એમએમઆરડીએને સોંપવામાં આવી હતી.

સરકાર દ્વારા લીધેલી જમીનની રકમ ખેડૂતોને 2015માં જૂના કાયદા મુજબ ચૂકવવામાં આવી હતી. ખેડૂતોને જૂના કાયદા મુજબ એક ગુંઠાના 50,000 રૂપિયા જ આપવામાં આવ્યા હતા, પણ આ કાયદાને 2013ના જ બદલવા અને રદ કરવામાં આવતા ખેડૂતોને નવા કાયદા મુજબ જમીનની રકમ આપવામાં આવે એવી અરજી 25 ખેડૂતો દ્વારા બોમ્બે હાઈ કોર્ટમાં વકીલ મારફત કરવામાં આવી હતી.

ખેડૂતોને 2013ના નવા જમીન અધિગ્રહણ મુજબ રકમ ચૂકવવામાં આવે તેના માટે 10 ઑક્ટોબર 2023ના બોમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ સુનાવણીને લઈને કોર્ટે મંગળવારે ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો તેમ જ નિયત સમયમાં ખેડૂતોને જમીનની રકમ ચૂકવવામાં પણ નહોતી આવી એવું પણ બેન્ચે કહ્યું હતું.

આ મુદ્દે ખેડૂત પક્ષના વકીલે દાવો કર્યો હતો કે જ્યારે જમીન સંપાદનનો જૂનો કાયદો રદ કરવામાં આવ્યો હતો, તો સરકારે જૂના કાયદા મુજબ ખેડૂતોને જમીનની રકમ આપવાનો આદેશ કેમ જાહેર કર્યો હતો? અને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા સમયમાં ખેડૂતોને જમીનની રકમ આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો નહોતો, જેથી ખેડૂતોને નવા કાયદા મુજબ રકમ મળવી જોઈએ.

ખેડૂતોના વકીલની દલીલ સામે સરકારી પક્ષના વકીલે કહ્યું હતું કે એમટીએચએલએ એક લોકહિત માટેનો પ્રોજેકટ છે, જે મુંબઈ અને નવી મુંબઈના પ્રવાસને માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરે છે. અટલ સેતુ હવે બનીને પૂર્ણ થઈ ગયો છે તેમ જ તેને વાહનો માટે પણ શરૂ કરી દેવાયો છે. જેથી હવે જમીનને સંપાદનને આરડી કરવામાં આવશે તો તેની અસર પ્રોજેકટ પર થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button