Tourism: ટૂંક જ સમયમાં ઓમકારેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ થવાના સંકેત…
ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવવાના હેતુથી કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ સેવા હવે ટૂંક જ સમયમાં શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. મધ્યપ્રદેશના પવિત્ર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરથી એકાત્મ ધામ (Statue of Oneness)થી ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) સુધી 120 કિમી મુસાફરીની ક્રૂઝ સેવાનો લાભ મળવાનો છે.
આ પણ વાંચો : Bill Gates Gujarat Visit: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈને બિલ ગેટ્સ મંત્રમુગ્ધ, કહ્યું અદ્ભુત એન્જિનિયરિંગ
ગુજરાતમાં કાર્ય પ્રગતિમાં
આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે ભારતીય અંતર્દેશીય જળમાર્ગ પ્રાધિકરણ (IWAI), સરદાર સરોવર નર્મદા નિગમ અને મધ્યપ્રદેશ પ્રવાસને રાષ્ટ્રીય જળમાર્ગ-73 હેઠળ ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે, બંને રાજ્યોમાં ફ્લોટિંગ જેટી સ્થાપિત કરવામાં આવશે. મધ્યપ્રદેશે કોલકાતામાંથી ફ્લોટિંગ જેટી મેળવી લીધી છે, જ્યારે ગુજરાતમાં આ યોજનાની કામગીરી હજુ પ્રગતિમાં છે.
પરષોતમ રૂપાલાએ કર્યો પ્રશ્ન
આ મુદ્દે સંસદમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે કુલ ભંડોળમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ માટે રૂ. 45.41 કરોડ, જમીન સંપાદન અને ટર્મિનલ સુવિધાઓ માટે રૂ. 10.02 કરોડ, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે રૂ. 55 લાખ, કાર્ગો પ્રમોશન માટે રૂ. 20 લાખ અને અન્ય પરચુરણ ખર્ચ માટે રૂ. 40 લાખનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : સરકારે સ્વીકારી ક્ષત્રિય સમાજની માંગ: કેવડીયામાં બનશે 562 રાજવીઓનું મ્યુઝિયમ…
120 કિલોમીટરનો રુટ
મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે નર્મદા નદીમાં કોઈપણ અવરોધ વિના ક્રૂઝની અવરજવર સુનિશ્ચિત થશે. કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ ૧૨૦ કિલોમીટરનો રુટ નક્કી કરવામાં આવ્યો છે અને કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ વનનેસ એટલે કે એકાત્મ ધામ સુધી લઈ જવામાં આવશે. રસ્તામાં પ્રવાસીઓને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત પણ કરાવવામાં આવશે. આ માટે મધ્યપ્રદેશમાં બે ચંદનખેડી-કુક્ષી અને સાકરજા-અલીરાજપુર ખાતે અને ગુજરાતમાં હાંફેશ્વર -છોટા ઉદેપુર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડિયા ખાતે જેટી સ્થાપવામાં આવશે.