લો બોલો! અમદાવાદના ATMમાં ચોરી કરવા માટે પ્લેનમાં બેસીને આવ્યા ચોર
થોડા દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગરમાં ઇન્ડસઇન્ડ બેંકના ATM મશીનને ગેસ કટર વડે કાપીને રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આજે આ કેસના 2 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમની મોડસ ઓપરેન્ડી વિશે પત્રકારોને માહિતી આપી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનીકલ પુરાવાને આધારે પંજાબના સમરજોતસિંહ અરોરા અને રવિંદરસિંઘ ગીલની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી 3.65 લાખની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં વિગતો સામે આવી હતી કે જે ATMમાં ચોરી કરવાની હોય તે વિસ્તારમાં જઇને તેઓ આખો દિવસ રેકી કરતા હતા, ત્યારબાદ ગેસ કટરથી એટીએમને કાપીને લાખોની ચોરી કરી ભાગી જતા હતા. રેકી કરવા માટે તેમણે ચંદીગઢથી અમદાવાદની ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરી હતી.
અમદાવાદ પહોંચીને ડુપ્લીકેટ આઇડી વડે હોટલમાં પ્રવેશ મેળવી ઓનલાઇન સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર ખરીદ્યું હતું. ચોરી માટે આસપાસની દુકાનોમાંથી ગેસ કટર, ઓક્સીજન સિલિન્ડર સહિતનો સામાન ખરીદ્યો હતો. મેઘાણીનગરના ATMમાંથી તેમણે 10.72 લાખ રૂપિયાની ચોરી કરી હોટલ આવી ગયા હતા. ચોરીના બીજા જ દિવસે તેઓ ફ્લાઇટ પકડીને દિલ્હી જતા રહ્યા હતા. આમ આ રીતે અલગ અલગ શહેરોમાં ચોરીને અંજામ આપ્યા બાદ આરોપીઓ તરત જ ફ્લાઇટ લઇને અન્ય રાજ્યોમાં ભાગી જતા હતા.