રાજકોટ ગેમઝોન અગ્નિકાંડઃ વધુ એક અધિકારી સસ્પેન્ડ કરાયા
રાજકોટ: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમા વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ નવ સામે પગલા લેવાયા બાદ ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો નોંધી ધરપકડ થયાના 48 કલાક પુરા થતા મનપાએ તેમને સસ્પેન્ડ કર્યા છે. અત્યાર સુધી કુલ 10 લોકો સામે પગલા લેવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં ધરપકડ થયેલા ત્રીજા અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો નોંધી ધરપકડ થયાના 48 કલાક પુરા થતા મહાપાલિકાએ આજે તેમને સસ્પેન્ડ કરતા અત્યાર સુધીમાં કુલ 10 સામે પગલા લેવાઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ પોલીસ કસ્ટડીમાં જતા મનપાએ તેમની સામે કાર્યવાહી કરી છે. બાકીના સાત સામે સરકાર સ્તરેથી કાર્યવાહી થઈ હતી. મનપાએ જે ત્રણને સસ્પેન્ડ કર્યા છે તેમાં ટીપીઓ સાગઠીયા અને એટીપી મુકેશ મકવાણા સામે કાર્યવાહી થયા બાદ હવે ઠેબા સામે પગલા લેવાયા છે.
Read more: ભૂલકાંઓ જ્યાં જાય છે તે પ્રિ-સ્કૂલની સુરક્ષાના નામે મીંડુ, ફાયર સેફ્ટીની સુવિધા જ નથી
ગેમઝોન કાંડમાં બી.જે ઠેબા પહેલાં સસ્પેન્ડ થયેલાઓમાં ટીપીઓ એમ. ડી. સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા, મનપાના સહાયક ઈજનેર જયદિપ ચૌધરી, ફાયર બ્રિગેડ અધિકારી રોહિત વિગોરા, પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆઈ વી. આર. પટેલ, પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆઈ એન.આઈ. રાઠોડ, માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર પરેશ કોઠીયા, માર્ગ અને મકાન વિભાગના ના. કાર્યપાલક એમ.આર.સુમાનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપાની ફાયર શાખામાં ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા બી. જે. ઠેબાને ગેમઝોન આગકાંડ બાદ અટકમાં લેવામાં આવ્યા હતા. તેમની સામે સાંસદ રામભાઈ મોકરીયાએ પણ રૂ. 70 હજારની લાંચ લીધાનો આક્ષેપ કર્યો હતો .
Read more: રાજકોટ અગ્નિકાંડ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ACBમાં ફરિયાદ; 80 લાખની છે અપ્રમાણસર મિલકત
ઠેબાની પૂછપરછ અને તેમના ઘરે તપાસ કરતા મળેલી વિગતોના આધારે તેમની સામે અપ્રમાણસરની મિલકતનો ગત શુક્રવારે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ તેમને 48 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ મનપાને આપવામાં આવતા તેમને સસ્પેન્ડ કરતો આદેશ કરાયો છે. અગ્નિકાંડમાં પણ તેમની બેદરકારી ખુલી હતી. અગાઉ લાગેલી આગ બાદ પણ ફાયર એનઓસી મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ મામલે પણ તપાસ ચાલી રહી છે.