ઓડિશાના બેંકગ્રાહકોના ખાતામાં કોણ જમા કરી રહ્યું છે પૈસા
મોબાઈલ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા હોવ તો અચાનકથી પૈસા ઉપડી જાય તેવી ઘટનાઓ હજારો બને છે, પણ તમારા મોબાઈલ પર કોઈએ તમારા ખાતામાં પૈસા ડિપોઝીટ કર્યાના મેસેજ આવે તો…આવી કલ્પના આપણે કરીએ નહીં પણ આમ બન્યું છે.
ઓડિશાથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. કેન્દ્રપાડા જિલ્લાની ઓડિશા ગ્રામ્ય બેંકના ગ્રાહકોને એક અજ્ઞાત સોર્સ દ્વારા તેમનાં ખાતામાં પૈસા જમા થવાનો મેસેજ મળ્યો હતો. આ મેસેજ મળતા જ બેંકની સામે કસ્ટમર્સની લાંબી લાઈન લાગી હતી હતી. બેંક કસ્ટમર્સને તેમનાં મોબાઈલ પર 10,000થી લઈને 70,000 રૂપિયા સુધીની રકમ તેમનાં ખાતામાં જમા થવાનો મેસેજ મળ્યો જે જોઇને લોકો ચોંકી ગયા હતા.
કેટલાંક કસ્ટમર્સ એ જાણવા માટે બેંક પહોંચ્યા કે તેમનાં ખાતામાં આ પૈસા જમા કોણે કરાવ્યા, તો કેટલાંક લોકો પોતાના ખાતામાંથી આ રકમ કઢાવવા માટે બેંક પહોંચ્યા હતા. ત્યાં જ ચોંકાવનાર વાત એ છે કે બેંકને પણ આ વાતની કોઈ જાણકારી નથી કે આ પૈસા આવ્યા ક્યાંથી છે. એક કસ્ટમરે જણાવ્યું કે મારા અને અન્ય લોકોના ખાતામાં કેટલીક રકમ જમા થઈ હોવાની જાણ થતાં હું બેંકમાં આવ્યો હતો. મને ખબર નથી કે આ પૈસા કોણે મોકલ્યા છે. અન્ય લોકોએ પોતાના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડી લેતા જ હું પણ પૈસા ઉપાડવા આવ્યો હતો. કસ્ટમર્સના ખાતામાં જમા થયેલી રકમને લઈને માત્ર કસ્ટમર્સ જ નહી પરંતુ બેંક પણ મૂંઝવણમાં છે.
ઓડિશા ગ્રામ્ય બેંકના બ્રાંચ મેનેજરે જણાવ્યું કે અમારી બેંકના કેટલાંક કસ્ટમર્સને 2000 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધી મળ્યા છે. હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કે આ પૈસા કયા સોર્સ દ્વારા બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા છે. અમને જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ કેટલીક રકમ જમા થઇ છે. આ કેવી રીતે થયું અમને ખબર નથી. મેનેજરના જણાવ્યા મુજબ આશરે 200થી 250 લોકો પૈસા ઉપાડવા આવ્યા હતા.