ગુજરાતની ગરમીના આંકડા ઠંડી ચડી જાય તેવા

હજુ તો ચોમાસાએ વિદાય લીધી અને ઑક્ટોબર મહિનો શરૂ થઈ ગયો, પણ સૂર્યદેવતાએ કમાન સંભાળી લીધી હોય તેમ ગુજરાતમાં ધોમધખતો તપાટ શરૂ થઈ ગયો છે. જે આંકડા નોંધાય છે તેના કરતા પણ ઘણો વધારે તાપ વાતાવરણમાં અનુભવાય છે. પ્રદુષણને લીધે મોટા શહેરો તો શું ગામડાઓમાં પણ ગરમી વધતી જાય છે. અમદાવાદ જેવા શહેરોમાં દિવસે જ નહીં પરંતુ મોડી રાત સુધી સખત બફારો અને ગરમી વર્તાય છે.
ગુજરાતના 12 શહેરોમાં રવિવારે 37 ડિગ્રી કરતા વધુ ગરમી નોંધાઈ હતી. અકળાવનારી ગરમી અને બફારાના કારણે લોકોની હાલત કફોડી બની હતી. પવનની ગતિ મંદ રહેવાના કારણે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. અમદાવાદમાં 38 ડિગ્રી જેટલી તીવ્ર ગરમી નોંધાઈ હતી. હવામાન ખાતા દ્વારા આકરી ગરમી અને અમુક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાંથી હવે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જેના કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર તરફની થઈ છે. ભેજનું પ્રમાણ પણ ક્રમશઃ ઘટી રહ્યું છે. સવારે 8-30 વાગ્યે 76 ટકા અને સાંજે 5-30 વાગ્યે 39 ટકા નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજા દિવસે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસી શકે છે. બાકીના ત્રણ દિવસ માટે વરસાદની કોઈ આગાહી નથી. જોકે હવે પાછોત્તરા ઝાંપટા પડવાની શક્યતા છે.
અમદાવાદમા સૌથી વધુ ગરમી બાદ રાજ્યના અન્ય શહેર ડીસામાં 37.5, ભુજમાં 37.7, કંડલા પોર્ટમાં 37.5, કંડલા એરપોર્ટમાં 37.9, રાજકોટમાં 37.4, સુરેન્દ્રનગરમાં 37.8, ગાંધીનગરમાં 36.5, વી.વી નગરમાં 36, વડોદરામાં 36.8, સુરતમાં 36 અને મહુવામાં 36.8 ડીગ્રી ગરમી નોંધાઈ હતી.