Gujarat માં પાલિકા- પંચાયતમાં જન પ્રતિનિધીમાં 27 ટકા OBC અનામતનું નોટિફિકેશન પ્રસિદ્ધ
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat) પાલિકા અને પંચાયતમાં આવનારા ત્રણેક મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ માટે બંને વિભાગો અને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ આરંભી છે. જેમાં રાજ્યની તમામ પાલિકા-પંચાયતોમાં 10ને બદલે 27 ટકા ઓબીસી(OBC)અનામતનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે હવે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલ છેલ્લા અઢી વર્ષથી અનેક પાલિકા અને પંચાયતમાં ચૂંટણીઓ યોજાઈ નથી ત્યાં માત્ર અધિકારીઓથી સંચાલન થઈ રહ્યુ છે.
ઓબીસી બેઠકો જાહેર કરીને તેની ફાળવણી કરવાના આદેશો
જેમાં મળતી માહિતી મુજબ શહેરી વિકાસ વિભાગના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ જુલાઈને અંતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થાય છે. તે સિવાય વાપી પાલિકાને હવે મહાનગરપાલિકા તરીકે વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. તેથી આ બંને શહેરો ઉપરાંત જ્યાં ફેબ્રુઆરી-2023થી સામાન્ય ચૂંટણી સ્થગિત છે તે 80 નગરપાલિકાઓમાં કુલ બેઠકના 27 ટકા બેઠકો ઓબીસી બેઠકો જાહેર કરીને તેની ફાળવણી કરવાના આદેશો અપાયા છે. જેમાં ઝુલતો પૂલ તૂટી પડવાને કારણે સુપરસિડ કરવામાં આવેલી મોરબી પાલિકાનો પણ સમાવેશ થાય છે.
પાલિકાઓ ઉપરાંત રાજ્યમાં સૌથી મોટા જિલ્લા બનાસકાંઠા અને ખેડા એમ બંનેની જિલ્લા પંચાયતો, તેના તાબા હેઠળની 17 તાલુકા પંચાયતો તેમજ તે સિવાય રાજ્યભરમાં 4,127 ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે યોજાશે. અમદાવાદ કોર્પોરેશનની એક બેઠક ખાલી છે. તે સિવાય અન્ય મહાનગરમાં બે અને 39 પાલિકાઓની એમ કુલ મળીને શહેરી સંસ્થાઓમાં ખાલી પડેલી 42 તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની 42 એમ કુલ 84 બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાશે.
Gujarat માં પાલિકા- પંચાયતમાં જન પ્રતિનિધીમાં 27 ટકા OBC અનામતનું નોટિફિકેશન પ્રસિદ્ધ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં સુપ્રિમ કોર્ટે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે 27 ટકા બેઠકો અનામત રાખવાનો આદેશ કર્યો હતો. દોઢ દાયકામાં લાંબા વિવાદ અને ન્યાયિક સંઘર્ષને અંતે રાજ્ય સરકારે રિટાયર્ડ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષપદે કમિશન રચી તેનો સર્વે કરાવીને તાગ મેળવ્યો હતો.