આપણું ગુજરાત

ગુજરાત દેશમાં કરદાતાઓની સંખ્યામાં ત્રીજા ક્રમે, 2024-25માં 6.38 ટકાનો વધારો…

અમદાવાદઃ 31 માર્ચ, 2025 સુધીમાં નોંધાયેલા કરદાતાઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં ત્રીજા સ્થાને છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કરદાતાઓની સંખ્યામાં 6.38 ટકાનો વધારો થયો હતો. જે રાષ્ટ્રીય સરેરાશ વધારા 3.86 ટકા કરતાં વધારે છે. સત્તાવાર માહિતી અનુસાર ગુજરાતમાં નોંધાયેલા કરદાતાઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં 11,90,387થી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 12,66,886 થઈ હતી, જે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા વધી રહી હોવાનું દર્શાવે છે.

નાણાકીય વર્ષ 2024-25 માં, રાજ્યમાં નોંધણી અરજીઓ માટે સરેરાશ નિકાલનો સમય ઘટાડીને 18 દિવસ કરવામાં આવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 5 દિવસનો સુધારો દર્શાવે છે. આ માટે કાયદાકીય સમય મર્યાદા 44 દિવસની છે. તેવી જ રીતે, અરજીઓ રદ કરવા માટેનો સરેરાશ નિકાલનો સમય નાણાકીય વર્ષ 2024-25માં 19 દિવસ થયો હતો, જે 40 દિવસનો સુધારો દર્શાવે છે.ગુજરાતે મુખ્ય પ્રદર્શન સૂચકાંકો (KPIs)માં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, 71.69 પોઈન્ટ્સના સ્કોર સાથે રાષ્ટ્રીયસ્તરે બીજા સ્થાને છે. મહારાષ્ટ્ર 73.93 પોઈન્ટ્સ સાથે આગળ છે, પરંતુ ગુજરાતે પરફોર્મંસ પેરામેટિરમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

મહેસૂલમાં નોંધપાત્ર યોગદાન
મહેસૂલ મોરચે ગુજરાતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રૂ. 1,36,748 કરોડની આવક ઉભી કરીને રાષ્ટ્રીય કરસંગ્રહમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 1,25,169 કરોડ હતું. હાલમાં રાજ્યોમાંથી ઉદ્ભવતા મહેસૂલની દ્રષ્ટિએ રાજ્ય રાષ્ટ્રીયસ્તરે ત્રીજા સ્થાને છે, જે દેશના સ્થાનિક જીએસટી સંગ્રહમાં આશરે 8.2 ટકા ફાળો આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button