ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર

ગાંધીનગર: ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ નોંધાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા 28 ઓગષ્ટ 2014ના રોજ લોકોને બૅન્ક ખાતા, ઉધાર, ચૂકવણીઓ, બચત અને થાપણો, ક્રેડિટ, વીમા અને પેન્શન જેવી મૂળભૂત નાણાકીય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરી હતી.
આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા 10 વર્ષમાં 53 કરોડને પાર થઈ ગઈ છે. આ ખાતાઓમાંથી અડધાથી વધુ ખાતા સ્ત્રીઓના નામના છે. દેશના કુલ જન-ધન ખાતાઓમાં હવે કુલ બેલેન્સ ₹2,31,235 કરોડ થઈ ગયું છે. આ યોજના હેઠળ 11.59 લાખ બૅન્કમિત્ર દ્વારા દેશમાં બ્રાંચલેસ બૅન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં 1.87 કરોડથી વધુ જન-ધન ખાતાઓ ખૂલ્યા:
ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડથી પણ વધી ગઈ છે. ગ્રામીણ/સેમી-અર્બન સેન્ટરની બૅન્ક શાખાઓમાં લાભાર્થીઓની સંખ્યા 1,12,35,605 છે, જ્યારે શહેરી/મેટ્રો સેન્ટરની બૅન્ક શાખાઓમાં આ સંખ્યા 75,28,872 છે. એટલે કે રાજ્યમાં આ યોજનાના કુલ 1,87,64,477 લાભાર્થીઓ છે. આ લાભાર્થીઓના ખાતામાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ છે અને આ યોજના હેઠળ 1,41,91,805 RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધારે છે તેઓ જન-ધન ખાતું ખોલાવી શકે છે. જન-ધન ખાતું સાર્વજનિક ક્ષેત્રની બૅન્કો ઉપરાંત ખાનગી બૅન્કમાં પણ ખોલી શકાય છે. PM જન-ધન ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની કોઈ આવશ્યકતા નથી. યોજના હેઠળ ખાતાઓમાં જમા રકમ પર વ્યાજ મળે છે અને લાભાર્થીઓને RuPay ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ સાથે બે લાખ રૂપિયાનું વીમા કવર પણ મળે છે.