ગુજરાતી NRI સાવધાન: ભારતમાં મિલકત વેચતા પહેલા ટેક્સના નવા નિયમો જાણી લો, નહીંતર લાગશે મોટો ફટકો…

અમદાવાદ: 23 જુલાઈ, 2024 પછી ભારતમાં સ્થાવર મિલકત વેચનાર બિન-નિવાસી ભારતીયો (NRIs)ને આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે અણધાર્યો ટેક્સનો આંચકો લાગી રહ્યો છે.
બજેટમાં લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) ટેક્સના માળખામાં થયેલા ફેરફારોને કારણે ઘણા NRIsએ હવે નોંધપાત્ર રીતે વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ ફેરફારનું સીધું પરિણામ ઇન્ડેક્સેશનના લાભને ગુમાવવાનું છે.
સુધારેલા નિયમો હેઠળ, NRIs પર LTCG ટેક્સ 12.5 ટકાના ફ્લેટ દરે લાગે છે, જેમાં ઇન્ડેક્સેશનનો લાભ મળતો નથી. એટલે કે, તેઓ ફુગાવાને ધ્યાનમાં રાખીને પ્રોપર્ટીની ખરીદ કિંમતને સમાયોજિત કરી શકતા નથી. અગાઉ, તમામ કરદાતાઓને ઇન્ડેક્સેશન સાથે 20 ટકા LTCG ટેક્સ લાગુ પડતો હતો, પરંતુ હવે આ લાભ ફક્ત ભારતીય નિવાસીઓ માટે જ જાળવી રાખવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘણા NRIs આ ફેરફારથી અજાણ છે અને રિટર્ન ભરતી વખતે જ્યારે ઊંચી ટેક્સની જવાબદારી આવે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેઓ વેચાણની રકમમાંથી ફક્ત મૂળ ખરીદ કિંમત અને પ્રોપર્ટીના સુધારણા ખર્ચને જ બાદ કરી શકે છે અને ફુગાવાના કોઈ પણ સમાયોજન વગર સમગ્ર લાભ પર 12.5 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.
આનાથી તેમની અસરકારક ટેક્સની જવાબદારી તીવ્રપણે વધી જાય છે. જોકે, તેમનો TDS દર અગાઉના 20% થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે. વડીલોપાર્જિત મિલકત હોવાથી ઘણા લોકોને મોટો ટેક્સ લાગી શકે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, જો ત્રણ ભાઈઓએ એક પ્રોપર્ટી 1 કરોડમાં વેચી હોય, તો દરેકના AISમાં ₹33.33 લાખને બદલે ₹1 કરોડ દર્શાવાય છે. LTCG ટેક્સના નિયમોમાં આ ફેરફારો મૂડી લાભના માળખાને સરળ બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યા હતા.
જ્યારે નિવાસી વ્યક્તિઓ પાસે હવે જૂના માળખા (ઇન્ડેક્સેશન સાથે 20 ટકા) અને નવા ફ્લેટ 12.5 ટકા ટેક્સ (ઇન્ડેક્સેશન વગર) વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ છે, ત્યારે NRIs પાસે આવો કોઈ વિકલ્પ નથી.
આ પણ વાંચો…NRIને પરણીને વિદેશ સ્થાયી થયેલી 5000થી વધુ મહિલાઓની ફરિયાદો મળી: વિદેશ મંત્રાલય