પુત્રીના લગ્ન માટે આવેલા NRI પરિવારના ઘરે ચોરીઃ પૈસા તો પૈસા ચોર પાઉન્ડ પણ ચોરી ગયા
ભુજ: કચ્છમાં ધ્રુજાવી દેતી ઠંડીને લીધે મોટાભાગના ગામ-શહેરોમાં રાત્રે આઠ વાગ્યા બાદ સોંપો પડી જતો હોય છે અને આ અંધારા અને સન્નાટાનો ફાયદો ચોર-તસ્કરો ઉઠાવી જતા હોય છે. કચ્છમાં છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે. તેવામાં એક ઔર ઘટનામાં ચોર NRI મહિલાના બંધ ઘરમાં ત્રાટક્યા હોવાની અહીંથી પૈસાની સાથે પાઉન્ડ પણ ચોરી ગયા હોવાની ઘટના બની છે. તસ્કરોએ ભુજ તાલુકાના સમૃદ્ધ એવા બળદિયા ગામ ખાતે એક બંધ રહેણાંકને રાત વચ્ચે નિશાન બનાવી રોકડા રૂા.એક લાખ, ૪૦૦ પાઉન્ડ, એક સ્માર્ટ ફોન ઉપરાંત લગ્ન માટે ખરીદવામાં આવેલાં કપડાંની ચોરીને અંજામ આપતાં રહેવાસીઓમાં ભય વ્યાપ્યો છે.
Also read:કચ્છ નહીં દેખા તો કુછ નહિ દેખા: કચ્છના રણમાં જોવા મળી Big B પરિવારની ત્રણ પેઢી…
મૂળ દહીંસરાના પરંતુ હાલે નૈરોબીના લંગાટામાં રહેતા લીલાવંતીબેન દેવશીભાઇ વેકરિયાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેમની પુત્રીના થોડા સમયમાં લગ્ન હોઇ દોઢેક મહિના પહેલાં દહીંસરા આવ્યા છે. ગત ૨૧મી જાન્યુઆરીના રોજ બપોરે માધાપરની ફાર્મવાડીમાં સંબંધીના સંતાનોના મેળાવડામાં ભાગ લેવા ઘરને તાળું મારીને ગયા હતા અને બીજા દિવસે સવારે ઘરે આવતાં તાળાં તૂટેલાં જોવા મળ્યાં હતાં. વેરવિખેર પડેલા સમાન વચ્ચે તપાસ કરતાં કબાટમાં લેપટોપની બેગમાં રાખેલા રોકડા રૂા. એક લાખ તથા ૪૦૦ પાઉન્ડ જેની હાલ કિં. રૂા. 40,000 એક સ્માર્ટફોન કિં.રૂા. 10,000 તેમજ પુત્રીના લગ્ન માટે ખરીદી કરેલી ૨૫,૦૦૦ની કિંમતની અલગ-અલગ સાડીઓ-કુર્તીઓ સહીત કુલ રૂા.૧,૭૫,૦૦૦ના મુદ્દામાલને અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. માનકૂવા પોલીસે તસ્કોરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.