હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
ડાયમંડ બુર્સ: સુરતમાં રવિવારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (એજન્સી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્ર્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે વડા પ્રધાને દેશમાં વિકાસનો નવો ઈતિહાસ રચ્યો છે એવુ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
સુરતમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્ર્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, રાજ્યની જનતાને તેમના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે. આ બે દાયકામાં વડા પ્રધાને જે કહેવું તે કરવું એવા કાર્યમંત્ર સાથે ‘ડ્રીમને ડિલિવરી’ સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. રાજ્યમાં વેપાર-વાણિજ્ય-ઉદ્યોગો, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે.
વડા પ્રધાનના વિઝન અને ડ્રીમના પરિપાકરૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સનું નિર્માણ સુરતમાં થયું છે. ૩૫ એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે, ત્યારે વિશ્ર્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની વડા પ્રધાનની ગેરેન્ટી છે. ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ હબ સાથે અનેક ઉદ્યોગો-વેપારો થકી દેશભરના લાખો લોકોને રોજગારી આપતું કોસ્મોપોલિટીન સિટી બન્યું છે. વડા પ્રધાનના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી ‘મિની ઇન્ડિયા’ સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, આ પગલાંને કારણે ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને વિશ્ર્વના દેશો સાથે એર કનેક્ટિવિટી વધશે. દેશમાં રોડ અને રેલ નેટવર્ક, એર કનેક્ટીવિટીનો વ્યાપ પણ બમણો થયો છે અને વિમાની સેવાઓ અને નવા એરપોર્ટ પણ વિક્સ્યા છે. ૨૦૧૪માં દેશમાં ૭૪ એરપોર્ટ હતા તે ૯ વર્ષમાં વધીને ૧૪૦ થયાં છે એનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વેપાર ઉદ્યોગોને વૈશ્ર્વિક મંચ આપવા વાઇબ્રન્ટ સમિટનો આયામ શરૂ કરેલો જેને રાજ્ય સરકારે આગળ વધારી આ કડીમાં આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ વિકસિત ભારત એટ ધ રેટ ૨૦૪૭ માટે વિકસિત-ઉન્નત ગુજરાતના ધ્યેયને આ સમિટ પાર પાડશે એમ તેમણે જણાવ્યું હતું. સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ અને હંમેશાં હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.