હવે આદિવાસી સમાજને રીઝવવા સરકાર વન સેતુ ચેતના યાત્રા યોજશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસની સરખામણીએ ભાજપે લોકસભાની ચૂંટણીની મોટા ભાગની તૈયારીઓ શરૂ કરી દીધી છે, સંગઠન કક્ષાની તૈયારીઓ પૂરી કર્યા બાદ લોકો સાથે સીધો સંવાદ પણ શરૂ કરવામાં આવશે બીજી બાજુ રાજ્યની ભાજપ સરકારે પણ હવે ખાસ કરીને આમ આદમી પાર્ટીના કારણે થયેલા ડેમેજને ક્ધટ્રોલ કરવા માટે આદિવાસી વિસ્તારના લોકો પાસે જવાના નિર્ણય લીધો છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પક્કડ મજબૂત કરવા માટે વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કૉંગ્રેસ અને આપ દ્વારા લોકસભા ચૂંટણીની પાંગળી તૈયારીઓ સામે ભાજપે બૂથ સ્તરે કાર્યકરોને રામ મંદિર નિર્માણ મહોત્સવ સહિતના કાર્યક્રમો થકી સક્રિય કર્યા છે.
રાજ્યની ભાજપ સરકાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૧૮ જાન્યુઆરીથી વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરી રહ્યું છે. જે રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ફરશે અને લોકોની સાથે જોડવામાં આવશે. આ યાત્રા આદિવાસી વિસ્તારોમાં યોજવામાં આવશે. જેમાં ૫૧ આદિજાતિ તાલુકામાં ૩ લાખ પરિવારને આવરી લેવાશે. જેની સાથે જ યાત્રામાં સરકારની સિદ્ધિઓ, રામ મંદિર અંગેની તેમજ આદિજાતિ વિકાસના કામોની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવશે. જેની સાથે જ આદિજાતિના લોકોને સન્માનિત કરવાની કામગીરી પણ કરવામાં આવશે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૫ થી વધુ બેઠકો મેળવી ત્યારથી જ પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન દ્વારા સમાજના તમામ વર્ગોને જોડવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. જેના માટે હવે લોકોના ઘરે સુધી પહોંચવા માટે પ્રચાર કરવા માટે વિવિધ યાત્રા યોજવામાં આવી રહી છે.