હવે રૂપાલાએ કર્યું શક્તિ પ્રદર્શન, ક્ષત્રિયોની રેલી સામે રાજકોટમાં ભાજપની સમર્થન રેલી
રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે, રૂપાલાના અભદ્ર નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત રોષ છે અને ક્ષત્રિયો રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે પણ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક બાદ ક્ષત્રિય સમાજની વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ જોડાઈ હતી. આ તમામ વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં ભાજપે પણ બાઈક રેલી યોજી હતી.
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માધાપર ચોકડી ખાતેથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનાં સમર્થનમાં યુવા ભાજપની બાઈક રેલી યોજાઈ હતી. ભાજપના યુવા મોરચા દ્વારા આયોજીત આ રેલીને રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં હવે જામનગર ભાજપના આ નેતાએ ઝંપલાવ્યું, ઉમેદવારી પાછી ખેંચવા લખ્યો પત્ર
રૂપાલાએ આ રેલી દરમિયાન બુલેટ ચલાવ્યું હતું અને તેમની પાછળ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ભાજપના ઝંડા સાથે પાછળ બેઠા હતા. હાલ સોશિયલ મીડિયામાં આ બાઈક રાઈડનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ભાજપના યુવા મોરચા દ્વારા માધાપર ચોકડીથી બહુમાળી ભવન સુધી બાઇક રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. આયોજનના પગલે પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા. આ સાથે જ યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક સાથે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળા થયા બેશુદ્ધ, કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને કરાયા મુક્ત
જો કે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને ધારાસભ્ય દર્શીતા શાહ થોડા મોડા પહોંચ્યાં હતાં. આ રેલી બાદ 8 વાગ્યે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, હોટલ પ્લેટીનમ, જવાહર રોડ, ચૌધરી હાઈસ્કૂલની આગળ ઠાકર લોજની બાજુમાં સેમિનાર અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન રેલીમાં ગીતો વગાડવામાં આવ્યા હતા. આ રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બાઇક રેલીની શરૂઆત માધાપર ચોકડીથી થઈ હતી અને બહુમાળી ભવન ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.