હવે રહેઠાણ વિસ્તારમાંથી રૂ. 21.06 કરોડની કિંમતના ચરસ સાથે એકની ધરપકડ

દ્વારકાઃ તાજતેરમાં જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ બોલાવી ડ્રગ્સના દુષણ સામે લડત આપવાની વાત કરી હતી. ડ્રગ્સના મામલે ગુજરાત એટલું સમાચારોમાં રહે છે કે હવે તેને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત કહેવામાં આવે છે. ગુજરાતની દરિયાપટ્ટી જાણે ડ્રગ્સની હેરાફેરીનો સૌથી સુરક્ષિત રસ્તો બની ગયો હોય તેવી ટીકા પણ રાજકીય સ્તરે થઈ રહી છે.
એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠેથી ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે ત્યારે હવે બીજી બાજુ હવે રહેઠાણ વિસ્તારમાંથી પણ ડ્રગ્સ મળ્યાની વિગતો બહાર આવી છે.
આ ઘટના દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના નાવદ્ના ગામમાં બની છે. અહીં એક ઘરમાંથી રૂ. 21.06 કરોડની કિંમતનું ચરસ ઝડપાયુ છે. એઓજીએ આ ઘટનામાં એક આરોપીની ઘરપકડ કરી કલ્યાણપુર પોલીસને સોપવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીને બાતમી મળી હતી કે, કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામની સીમ વિસ્તારમાં રહેતો દેવશી વાઘેલા નામનો શખ્સ ઘરમાં ડ્રગ્સ છૂપાવીને ડ્રગ્સનું કારોબાર કરે છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે દેવશીના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરની તપાસ કરતા ખાટલા નીચે છૂપાવીને રાખેલા 40 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ ચરસના પેકેટ કબજે લઈને તપાસ કરતાં તેનું વજન 42.135 કિગ્રા હોવાનું જણાવ્યુ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21.06 કરોડ થવા જાય છે. હાલ એસઓજીએ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.