હવે આગ વરસશે આકાશમાંથીઃ સંભાળીને રહેજો હિટવેવની છે આગાહી

અમદાવાદ: ગુજરાતમાં હાલ ઉનાળો શરૂ થતાં ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે, લોકો બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે ત્યારે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં બપોરે તાપમાન 35થી 40 ડિગ્રી વચ્ચે નોંધાય છે.
એવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હિટવેવની સંભાવના છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જુનાગઢમાં હિટવેવની શક્યતાઓ છે જેથી આ પંથકના લોકોને તકેદારી રાખવાની અપીલ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
વાત અમદાવાદ શહેરની કરવામાં આવે તો મહત્તમ તાપમાન વધીને 38.9 ડિગ્રી સુધી થયું હતું જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ તાપમાન હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યું હતું, ત્યારે બીજી તરફ શહેરમાં લઘુતમ તાપમાન 18થી 19ડિગ્રી થઈ ગયું હતું જે હોવું જોઈએ એના કરતાં 2થી3 ડિગ્રી ઓછું નોંધાયું છે જેથી કરી અમદાવાદ શહેરમાં રાત્રે અને વહેલી સવારે ઠંડી તેમજ સવારે અને બપોરે ખૂબ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
આમદવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પાણી પીવા જવા દેવાની છૂટ આપતો તેમજ ગરમીમાં તકેદારી રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ પણે કહેવામા આવ્યું છે કે, ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીઓને પાણી પીવાની છૂટ આપવી વગેરે સૂચનાઓ આપાવમાં આવી છે. આ શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે અમદાવાદ શહેરના ડીઈઓદ્વારા તમામ સ્કૂલોમાં સૂચન આપવામાં આવી છે.
ત્યારે આજે ગુજરાતનાં અનેક શહેરોનું તાપમાન 38 ડિગ્રી આસપાસ નોંધાયું છે, અમદાવાદ-38 ડિગ્રી , રાજકોટ-37 ડિગ્રી, ગોંડલ-38 ડિગ્રી, અમરેલી-38 ડિગ્રી, પોરબંદર-36 ડિગ્રી, જુનાગઢ-38.5 ડિગ્રી, સુરેન્દ્રનગર-37 ડિગ્રી, મહેસાણા-37 ડિગ્રી, ગાંધીધામ-37 ડિગ્રી, નલિયા-32.5 ડિગ્રી, સુરત- 38.5 ડિગ્રી, નવસારી-37 ડિગ્રી, વલસાડ-32 ડિગ્રી તાપમાન છે. ગુજરાતનાં ઘણા ખરા શહેરોનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું છે.