હવે કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદને કારણે ઉભો થયો વિવાદ..
છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના મંદિરો સતત વિવાદમાં આવી રહ્યા છે. લગભગ દરેક ખ્યાતનામ મંદિરો કોઇને કોઇ વાતને લઇને સતત મીડિયા અહેવાલોમાં ચમકી રહ્યા છે. અંબાજી પ્રસાદનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અમદાવાદમાં કેમ્પના હનુમાનમાં પ્રસાદનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને સોંપવામાં આવતા ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.
કોરોના સમયે જ્યારે મંદિર ખૂલ્લુ હતું ત્યારે પ્રસાદ મંદિરમાં જ બનાવવામાં આવતો હતો. હવે મંદિર પ્રશાસને એવો નિર્ણય લીધો છે કે મંદિરમાં પ્રસાદ નહિ બને, ખાનગી એજન્સીને એ માટે કોન્ટ્રાક્ટ સોંપવામાં આવશે. અરજદારે અત્યારે પણ મંદિરમાં જ પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવે તેવી માંગ કરતી અરજી ચેરિટી કમિશનરમાં દાખલ કરી છે જેના માટે કેમ્પના હનુમાન મંદિર ટ્રસ્ટે જવાબ રજૂ કરવા સમય માંગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ વિવાદ અંગે 30 ઓક્ટોબરે કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે.
પહેલા કેમ્પના હનુમાનમાં મગસનો પ્રસાદ અપાતો હતો. કોરોના પછી આ પ્રસાદ બંધ કરી દેવાયો હતો અને બહારથી પ્રસાદ લાવવામાં આવતો હતો. થોડા સમય પછી તેના પર પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો. આ નિર્ણયોને લીધે લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી. કેટલાક અહેવાલો મુજબ આ બધુ બનવા પાછળ મંદિર ટ્રસ્ટીઓ અને મંદિરના પૂજારીઓ વચ્ચે વિવાદ હોવાનું સામે આવ્યું છે.