ગઈ કાલે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના દિલ જ નહીં, પણ આ બધું પણ ચોરાયું
ગઈકાલે ખૂબ જ રસાકસી વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનનો રકાસ નીકળી જતા ભારતીય ક્રિકેટરસિયાઓના દિલ કેપ્ટન રોહિત શર્માની ટીમે ચોરી લીધા હતા, પણ માત્ર દિલ જ નહીં સ્ટેડિયમમાં આવેલા સેંકડો લોકોએ ઘણી વસ્તુઓ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર સ્ટેડીયમના મેઇન ગેટ નંબર 1 અને 2 પર પોલીસે ઈલેક્ટ્રોનિક ઉપકરણો મૂકવા માટે બોક્સ મૂક્યા હતા, જેમાં 300થી વધુ પાવર બેંક સહિતના ઉપકરણો ભેગા થયા હતા. ગરમી વધુ હોવાથી કેટલાક પ્રેક્ષકો મેચ અધુરી મૂકીને સ્ટેડીયમની બહાર નિકળ્યા હતા ત્યારે જે પ્રેક્ષકોએ બોક્સમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો મૂક્યા હતા તે બોક્સ ગાયબ હતું. પોલીસકર્મીને પૂછતા આવા કોઇ બોક્સ અંગે ખબર નથી તેવો ઉડાવ જવાબ આપીને ત્યાંથી રવાના કર્યા હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા હતા.
આ સાથે મળતી માહિતી અનુસાર સ્ટેડિયમમાં મેચ જોવા આવેલ ક્રિક્રેટ રસિકોના મોબાઇલ તો ચોરાયા જ છે. પરંતુ સ્ટેડિયમની બહાર ઉભેલા લોકોના પણ 150 લોકોના મોબાઇલ ચોરાયા હતા, જેમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરીને ખિસ્સા કાતરૂથી સાવધાન રહેવા ક્રિક્રેટરસિકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતા ખિસ્સાકાતરૂઓએ લગભગ 150 લોકોના મોબાઇલ ચોરી લીધા હતા.
સ્ટેડિયમમાં આવેલ પ્રેક્ષકો માટે પે પાર્કિંગના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે શહેર ટ્રાફ્કિ પોલીસે કહ્યું હતું કે, સ્થાનિકો વાહનો પાર્ક કરાવશે તો ટૉ કરવામાં આવશે. જોકે તેમ છતાં સ્થાનિકો પોતાના ઘર પાસે તેમજ જાહેર રોડ પર વાહનો પાર્ક કરાવીને રૂ. 200થી 500 વસૂલીને લૂંટ ચલાવી હોવાની પણ ફરિયાદો થઈ હતી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતું. તેમજ બહાર પણ હજારોની સંખ્યામાં ક્રિકેટરસિકો ઊમટી પડયા હતા. ત્યારે બહાર ઊભેલા ક્રિકેટ રસિકોને શૌચાલય બાબતે ગંભીર સમસ્યા સર્જાઇ હતી. જેમાં સ્ટેડિયમની બહાર 500 મીટર સુધી કોઇ જાહેર શૌચાલય ન હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
જોકે મેચ દરમિયાન લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં સુરક્ષાની ધ્યાને રાખીને પોલીસે કંટ્રોલરૂમ ઊભો કર્યો હતો, જેમાં તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે બે હજાર કરતાં વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી સમગ્ર શહેરમાં મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં આરએએફ્, સીઆરપીએસ સહિતની કંપનીઓએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.