ખેડૂતોને મોટી રાહત: ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સૌરાષ્ટ્રના ચેકડેમો નર્મદા જળથી છલકાશે

અમદાવાદ: હાલ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આફત છે અને ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જો કે આ દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉનાળાની ઋતુમાં ખેડૂતોને પાક વાવેતરમાં મદદરૂપ થવા અને પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને આગામી 30 જૂન, 2025 સુધીમાં 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે ફાળવવામાં આવશે. આ નિર્ણયથી આ બંને પ્રદેશોના વિશાળ ખેતીલાયક વિસ્તારને મોટો ફાયદો થશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને કેટલું પાણી મળશે?
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતો બાદ રાજ્ય સરકારે તેનો પ્રતિસાદ આપતા આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો હતો. ઉત્તર ગુજરાત માટે 14,539 MCFT નર્મદાનું પાણી ફાળવવામાં આવશે. આ પાણી નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે 950થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલથી પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો: નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર, 1 મહિનો વહેલું મળશે સિંચાઈનું પાણી…
સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી આપવામાં આવશે. આ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1,820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડીને ખેડૂતોને સિંચાઈનો લાભ આપશે.
60,000 એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ
રાજ્ય સરકારનાં આ નિર્ણયના પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60,000 એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળી રહેશે. આનાથી ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થશે અને પાણીની અછતનો સામનો કરતા ખેડૂતોને મોટી રાહત મળશે. આ નિર્ણય રાજ્યના કૃષિ ક્ષેત્રને વેગ આપવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.