આપણું ગુજરાત

ગુજરાતના સેન્ટર ફોર એક્સેલન્સ હેઠળ આવતી કોલેજોના પણ વિદ્યાર્થીઓ માટે ફાંફાં

અમદાવાદઃ ગુજરાતની ઘણી એન્જિનિયરિંગ અને એમબીએ કૉલેજોમાં દર વર્ષે નોંધપાત્ર બેઠકો ખાલી રહે છે ત્યારે જે કૉલેજોને સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ આવરી લેવામાં આવી છે, તેમણે પણ વિદ્યાર્થીઓ મેળવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે, તેવી માહિતી એક અહેવાલ દ્વારા મળી છે.

રાજ્યની દસ આવી સંસ્થાઓમાંથી એક પણ આ વર્ષે સો ટકા બેઠકો ભરી શક્યું નથી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા રિલિઝ કરવામાં આવેલા આંકડા અનુસાર ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA, MCA અને આર્કિટેક્ચરના કોર્સ ચલાવતી ગુજરાતની આ દસ કૉલેજમાં કુલ 22,320 બેઠક વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેમાંથી 16,376 બેઠક ભરાઈ છે, જે કુલ બેઠકના 73 ટકા જેટલી છે. પ્રવેશ પ્રક્રિયા 30મી ઑક્ટોબરે પૂરીથઈ છે ત્યારે લગભગ 27 ટકા જેટલી બેઠક ખાલી રહી ગઈ છે.

આ પણ વાંચો: 13 વર્ષે પણ ભરતી નહીં! ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં ફાર્માસિસ્ટની આટલી જગ્યાઓ ખાલી

આ સંસ્થાઓમાં ગુજરાતની ઘણી ખ્યાતનામ કૉલેજો છે. સૌથી વધારે 97 ટકા વિદ્યાર્થી સેપ્ટ યુનિવર્સિટીને મળ્યા છે. ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીને 96.83 ટકા, ચરોતર યુનિર્વર્સિટીઓ સાયન્સ એન્ડ ટેકનોલોજીની 94 ટકા બેઠક ભરાઈ છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીને 88 ટકા અને નિરમા યુનિવર્સિટી 85.93 ટકા વિદ્યાર્થી મળ્યા હતા. નવી ખુલેલી સંસ્થાઓની વાત કરીએ તો અનંત નેશનલ યુનિવર્સિટીએ 65.51% વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો, ગણપત યુનિવર્સિટીએ 62.60% અને પારુલ યુનિવર્સિટીએ 68.36% વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.

નવાઈની વાત તો એ છે કે આમાંથી ઘણી યુનિવર્સિટીમાં 2024-2025માં સો ટકા બેઠક ભરાયેલી હતી. બેઠકો ખાલી હોવાનું એક કારણ એ પણ છે કે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લે છે, પરંતુ પછીથી કૉલેજ આવતા નથી. જ્યારે શિક્ષણજગત સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવાનું છે વિદ્યાર્થીઓને આકર્ષવાનો પડકાર અન્ય સ્કૂલોની જેમ આ સંસ્થાઓ પણ ઝીલી રહી છે.
આનું કારણ એક તો એ છે કે સંસ્થાઓ શિક્ષણની ગુણવત્તા વધારી શકી નથી અને યોગ્ય જોબ પ્લેસમેન્ટ મળી રહેશે, તેવો વિશ્વાસ વિદ્યાર્થીઓને આપી શકી નથી. આ સાથે અમુક સંસ્થાઓએ ફી પણ વધારી છે.

આ સંસ્થાઓ પર ગુજરાતના ઉચ્ચ શિક્ષણને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની જવાબદારી છે, પરંતુ આ માટે તેમણે ઘણી જહેમત ઉઠાવવી પડશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button