હાર્ટએટેકના કેસમાં કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી: નિષ્ણાત તબીબોનું તારણ
સરકારની સૂચનાને પગલે યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલનું એનાલિસિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમાદાવાદ: ગુજરાતમાં હૃદયરોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે મોતની સતત ઘટનાઓ વધી રહી હોવાના પ્રચાર અને ચર્ચાઓને રાજ્ય સરકારની જાણીતી એવી યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલનાં નિયામકે ફગાવી દીધી છે. કોરોના કાળ પહેલાંના હાર્ટએટેકના કેસમાં કોરાના કાળ પછી માત્ર સરેરાશ એક ટકાનો મામૂલી વધારો જ જોવા મળ્યો છે. કોરોના પછી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે તેવી ભ્રમણા ફેલાવવામાં આવી રહી હોવાનો કાર્ડિયોલોજિસ્ટો દ્વારા કેટલાક તારણોને અંતે દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે યુ. એન. મહેતાના ડાયરેક્ટર ડો. ચિરાગ દોશીને છેલ્લા પાંચ વર્ષના હૃદયરોગ સંબંધિત ડેટાના આધારે રિસર્ચ તેમજ એનાલિસીસ કરવા સૂચના આપ્યા બાદ આ અંગેના તારણો યુ.એન. મહેતા હોસ્પિટલના નિયામક ડો. ચિરાગ દોશીએ રજૂ કર્યાં હતાં. તેમમે એવો દાવો કર્યો હતો કે, કોરોનાકાળ બાદ રાજ્યની કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. યુએન મહેતામાં કોરોના પહેલાં હૃદયરોગના દર્દીમાં હાર્ટએટેકના દર્દીઓની સરેરાશ સંખ્યા ૮થી ૧૧ ટકા પ્રતિ વર્ષ હતી, જે કોરોના બાદ વર્ષ ૨૦૨૩ સુધીના આંકડા પ્રમાણે સરેરાશ ૧૨ ટકા જોવા મળી છે. કોરોના ઈન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી.
ડો. દોશી સહિત હૃદયરોગના જાણીતા તબીબોએ શનિવારે યોજેલી પત્રકાર પરિષદમાં એવું જાહેર કર્યું હતું કે, એક ખાનગી હોસ્પિટલમાં કોરોના પહેલા હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ ટકાવારી ૯.૬ ટકા હતી, જે કોરોના બાદ પણ ૯.૭ ટકા જેટલી જોવા મળી હતી. અન્ય એક હોસ્પિટલમાં ૧૧ ટકા હતી, હવે ૧૧.૨ ટકા જેટલી છે, જ્યાં ૬.૩ ટકા કેસ હતા ત્યાં ૬.૧ ટકા થયા છે. યુવાનોમાં સડન ડેથ માટે ઘણા કારણો જવાબદાર છે, દરેક સડન ડેથ એ કાર્ડિયાક ડેથ હોતું નથી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલના ટ્રેન્ડ મુજબ કોવિડના બે વર્ષ પહેલાં અને કોવિડ પછીના ત્રણ વર્ષનો ડેટા જોઈએ તો કોવિડ પહેલાં યંગ કાર્ડિયાક એમ. આઈ. (માયોકાર્ડિયાક ઈન્ફાર્કસન) ૪૦ વર્ષ અથવા એની નીચેની વયની વ્યક્તિમાં ૮થી ૧૧ ટકા લોકોમાં હતું, એ પછીના ત્રણ વર્ષમાં ૯થી ૧૨ ટકા સુધી જોવા મળ્યો છે. કોરોના પછી યુવાન દર્દીનું સડન ડેથ થયું હોય જેમાં કાર્ડિયાક ડેથ મનાતું હતું, એમાંથી ૫.૫ ટકાથી ૯.૫ ટકા લોકો પોઝિટિવ હોવાની હિસ્ટ્રી છે. માત્ર ૧.૨ ટકાથી ૫.૫ ટકા દર્દીને ગંભીર કોવિડ થયો હોય અને હોસ્પિટલમાં એડમિટ થયા હોય અને ઓક્સિજન આપવો પડયો એવા માત્ર ૦.૫ ટકાથી ૩.૫ ટકા દર્દીઓ જ હતા.
કાર્ડિયોલોજિસ્ટોએ એવું પણ કહ્યું હતું કે, નાની ઉંમરના ૧૫થી ૨૦ વર્ષના બાળકોના કિસ્સામાં આવતા હાર્ટએટેક એ હકીકતે હાર્ટએટેક નથી પણ સામાન્ય કિસ્સામાં કાર્ડિયાક એરેસ્ટ છે. અચાનક હાર્ટએટેક આવવો અને હાર્ટ બંધ થઈ જવું તેવું માત્ર ત્રણથી ચાર ટકા કિસ્સામાં જ જોવા મળતું હોય છે. યંગ પેશન્ટમાં સડન ડેથ જોઈએ છીએ એમાં ૫૨ ટકા લોકોમાં સડન કાર્ડિયાક ડેથ હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે યુ. એન. મહેતાના ડાયરેક્ટર ડો. ચિરાગ દોશીને છેલ્લા પાંચ વર્ષના હૃદયરોગ સંબંધિત ડેટાના આધારે રીસર્ચ તેમજ એનાલિસીસ કરવા સૂચના આપી હતી. આ વિશ્ર્લેષણમાં અન્ય રાજ્યોમાં પણ હ્રદયરોગ અંગેની સ્થિતિનું વિશ્ર્લેષણ હાથ ધરાયું હતું. રાજ્યની અન્ય ખાનગી કાર્ડિયાક હોસ્પિટલના ડેટા અને રિસર્ચનું સંકલન કરીને છેલ્લા પાંચ વર્ષના ડેટા અને તેના પર થયેલ રિસર્ચ અને એનાલિસીસને આધારે રાજ્યની જનતા સમક્ષ હૃદયરોગ અંગેની વિગતો સમક્ષ મૂકવામાં આવી હતી.