આપણું ગુજરાત

હેલ્થ લીકર પરમિટ માટે હવે ‘લાઇન નહીં, ઓન્લી ઓનલાઈન

ગાંધીનગર: તાજેતરમાં જ વધુ રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે. તેવામાં નશાબંધી અને આબકારી ખાતાએ પણ હેલ્થ પરમિટ ધારકોની પેમેન્ટ પ્રોસેસને સરળ બનાવવા માટે એક ડગલું આગળ ભર્યું છે.

હાલના સમયમાં હેલ્થ પરમિટ ધારકો કે જેને ગુજરતમાં દારૂ ખરીદવાનો અને પીવાનો પરવાનો છે તેવા લોકો ને પેમેન્ટ સ્લીપ મેળવવા પ્રોહિબિશન ઓફિસમાં રૂબરૂ જવું પડતું હતું. પરંતુ વિભાગના એક સૂત્ર તરફથી માહિતી મળી છે કે આગામી મહિનાઓમાં આ જૂના જમાનાની પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવશે.

એક અધિકારી પોતાનું નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યુ કે સમગ્ર પરમિટની અરજી અને રિન્યૂ પ્રોસેસને આગામી સમયમાં ઓનલાઈન કરવાની યોજના છે. જેથી કરીને અરજદારોને કચેરી પર રૂબરૂ ધક્કા ખાવાની બિલકુલ જરૂર નહીં પડે અને તેમનો કિંમતી સમય બચશે.

આપણે જણાવી દઈએ કે આ સબંધિત વિભાગ હાલ 37 ટકાની ક્ષમતા સાથે કાર્યરત છે અને 63 ટકા કર્મચારીઓની ભરતી માટે સરકારની લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.

સમય જતાં પરમિટ અરજીઓ અને રિન્યુયલના કામનું ભારણ વધશે જેનું સીધું દબાણ આ ઓછા સ્ટાફ પર આવશે.

આપને જણાવી દઈએ કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ગુજરાતનાં નાના મોટા શહેરો સાથે ગુજરાતમાં પરમિટ ધારકોની સંખ્યા લગભગ 52,000 જેટલી છે. જેમાં સૌથી વધુ 15,000 પરમિટ સાથે અમદાવાદ જિલ્લો મોખરે છે.

કર્મચારીઓની અછતના મુદ્દાને સ્વીકારતા પ્રોહિબિશન અને એક્સાઈઝના ડિરેક્ટર L M ડિંડોડ કહે છે કે અગાઉ પણ અમે રાજ્ય સરકાર પાસે વધુ સ્ટાફની માંગણી કરી છે. ઘણા અધિકારીઓને પ્રમોશન મળવાના છે અને ઘણી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જરૂરિયાત છે. રાજયમાં 60 ટકાથી વધુ જગ્યા ખાલી છે.

વિભાગના ડિજીટલાઇઝેશન અંગે તેમણે કહ્યું કે, એપ્રિલ-જૂન સુધીમાં અરજદારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેમને રૂબરૂ ઓફિસની મુલાકાત ન લેવી પડે. આગામી બજેટ સત્રમાં અમે રાજ્ય સરકારને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવા વિનંતી કરીશું.

તેથી, વિભાગે રાજ્યમાં IT વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) નો સંપર્ક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button