આપણું ગુજરાત

પરાગ દેસાઇના મૃતદેહ પર ડોગબાઇટના નિશાન નહીં, શેલ્બી હોસ્પિટલે કર્યો મોટો ખુલાસો

વાઘબકરી ગૃપના માલિક પરાગ દેસાઇના મૃત્યુના કારણ અંગે અમદાવાદ સ્થિત શેલ્બી હોસ્પિટલે જાહેર કરેલી પ્રેસનોટમાં એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે પરાગ દેસાઇના શરીર પર શ્વાન કરડવાના કોઇ નિશાન મળી આવ્યા નથી.

હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે પરાગ દેસાઇને ઇમરજન્સી વિભાગમાં સાંજે 6 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા. પ્રેસ રિલીઝમાં માહિતી આપવામાં આવી છે કે તેઓ જ્યારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે રખડતા શ્વાન તેમની પાછળ પડતા તેઓ જીવ બચાવવા દોડ્યા હતા પણ અચાનક પગ લપસી જતા તેઓ રસ્તા પર પટકાયા હતા. બેભાન હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તબીબોએ તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. તેમને સીટી સ્કેન કર્યા બાદ આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને સતત 72 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.
આમ હોસ્પિટલ તરફથી રખડતા શ્વાન કરડવાથી તેમનું નિધન થયું હોવાની વાતનું ખંડન કરવામાં આવ્યું છે. પરાગ દેસાઇના નિધનથી પરિવારમાં ઘેરા આઘાતની લાગણી છવાઇ છે. તેઓ તેમની પાછળ તેમના પત્ની અને પુત્રીને મુકતા ગયા છે. ગઇકાલે જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરી દેવાઇ હતી.

પરાગ દેસાઇ વાઘબકરી ચાના એક્ઝીક્યુટીવ પદે 1995થી કાર્યરત હતા અને પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. તેમના કાર્યકાળમાં વાઘ બકરી બ્રાન્ડએ વિશ્વસ્તરે નવી સિદ્ધીઓ મેળવી હતી. તેઓ ચાના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરતા હતા તેમજ ટેસ્ટર અને મૂલ્યાંકનકાર હતા. પહેલા વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું અને હાલમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર ભારતમાં 2000 કરોડથી પણ વધારે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button