વાવ બેઠક પર ઉમેદવારોના નામ પર હજુ સસ્પેન્સ: ઉમેદવારી નોંધાવવાનો કાલે છેલ્લો દિવસ
વાવ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસની જીતથી ચર્ચામાં રહેલા ગેનીબેન ઠાકોર બાદ હવે તેની બેઠક વાવ હવે પેટાચૂંટણીમાં ચર્ચામાં આવી છે. આ બેઠક માટે 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. આવતીકાલે આ બેઠક પર છેલ્લી તારીખ હોવા છતાં હજુ સુધી આ બેઠક પરએકપણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે હવે આ બેઠક પરથી કોણ ઉમેદવાર બનશે તે મુદ્દે કોકડું ગૂંચવાયુ છે.
કોંગ્રેસ અને આપના ગઠબંધનમાં ભંગાણના સમાચાર બાદ હવે આ બેઠક પર બંને રાજકીય પક્ષો વચ્ચે સહિયારી રીતે લડવાની વાત કરી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, ‘સ્થાનિક નેતાઓને લડવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે. પરંતુ આમ આદમી પાર્ટી લોકોના હિત માટે લડી રહી છે. કોંગ્રેસના આગેવાનો સાથે અમારી ખુબ પોઝિટિવ વાતચીત થઈ રહી છે. મને લાગે છે કે કાલ સુધીમાં સત્તાવાર જાહેરાત કરીશું. ભાજપ હારે તે જરૂરી છે. આ બેઠક કોંગ્રેસની છે એવું અમે માનીએ છીએ.’
વાવ બેઠક પર આવતીકાલે ઉમેદવારી નોંધવાવનો છેલ્લો દિવસ છે તેમ છતાં ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણીની તૈયારી જોરજોરથી ચાલુ કરી દીધી છે, તેમ છતા હજુ સુધી સત્તાવાર એકપણ પક્ષે જાહેરાત નથી કરી. કોંગ્રેસમાંથી ગેનીબેનના નિકટ ગણાતા ગુલાબસિંહ રાજપૂતનું નામ ચર્ચામાં છે. કોંગ્રેસમાં એક કરતાં વધુ ઉમેદવારો ટિકિટની લાઇનમાં છે, ઠાકરશી રબારીએ તો પક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે રબારી સમાજને કોઇપણ પક્ષ કમજોર ન સમજે અને આ સમાજને કોઇની જરૂર ન પડે. ભગવાન મને અને મારા સમાજને શક્તિ આપે.’
ભાજપને પણ નડી રહી છે મુશ્કેલી:
વાવ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પણ અનેક નામો પર ઊંડી ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે મુકેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, રજનીશ પટેલ, લાલજી પટેલ, શૈલેષ પટેલ અને અમિરામ આન્સલ સહિત ધનજીભાઈ ગોહિલના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, કોંગ્રેસના ગઢમાં ભાજપને કોને ઉમેદવાર બનાવવો તે પણ મોટો ઉભો થયો સવાલ છે.