પહલગામ હુમલા મુદ્દે નીતિન કાકાએ પાકિસ્તાન પર તાક્યું નિશાન, જાણો શું કહી નાખ્યું?

અમદાવાદઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ આકરા નિર્ણયો લીધા છે. જેમાં હવે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાકિસ્તાનને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. કડીમાં છત્રાલ રોડ પર આવેલા સરદાર પટેલ કોટન માર્કેટયાર્ડ ખાતે જેસીઆઈ દ્વારા મહિયરની ચુંદડી કન્યાદાન સર્વજ્ઞાતિ ચતુર્થ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીતિન પટેલે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો
પોતાના સંબોધનમાં નીતિન પટેલે પાકિસ્તાન પર પ્રહારો કરતા કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માંગે છે, અત્યાર સુધી આપણું જ ખાધુ હતું. હવે ભારતે નિકાસ બંધ કરી છે તો પાકિસ્તાન ભૂખે મરશે. કટ્ટરવાદીઓનો સામે આખા દેશની અંદર દેશભક્ત અને રાષ્ટ્રવાદનો માહોલ જોવા મળી રહ્યો છે, હજુ શું થશે એ કોઈને ખબર નથી. પાકિસ્તાન ભીખારી અને કંગાળ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનીઓને એક સાથે નહીં તડપાવીને શોધી શોધીને મારીશું. તેમના બંકરો પણ પહેલાની જેમ ઉડાવીશું. અત્યારે ભારત અને પાકિસ્તાનની બંને બાજુથી આક્રમક તૈયારીઓ ચાલી રહી છે.
નીતિન પટેલે પાકિસ્તાનના પીએમને ભીખારી કહ્યા
નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ભીખારી અને કંગાળ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનના પીએમ દુનિયામાં ફરીને કટોરો લઈને ભીખ માંગે છે, પહેલા જે પીએમ ઈમરાન ખાન, નવાઝ શરીફ હતા અને વર્તમાન પીએમ પણ ભીખ માંગી રહ્યો છે. અત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસેલા છે, ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તેવો સમય ચાલી રહ્યું છે. ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણાં દિવસોથી ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે, જેથી પાકિસ્તાની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આપણ વાંચો : પહલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુંઃ સી આર પાટીલ