Top Newsઆપણું ગુજરાત

ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોહમ્મદ ગઝનીની સરખામણી કૂતરા સાથે કરી?

કડીઃ એક હજાર વર્ષ પહેલા 102 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. જેના ભાગ રૂપે હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. બે દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરાવી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી દરમિયાન ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સોમનાથ મંદિર પર હુમલો કરનાર મોહમ્મદ ગઝનીની સરખામણી કૂતરા સાથે કરી હતી.

ક્યાં આપ્યું નિવેદન

કડીમાં 72 ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમનાથ મંદિરના લૂંટારા મોહમ્મદ ગઝનીની સરખામણી ‘કૂતરા’ સાથે કરી હતી. તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે, કૂતરો ગમે ત્યાં જાય તો પેશાબ કરે, ગઝનીનું લક્ષણ લૂંટ કરવાનું અને મંદિરો તોડવાનું હતું. મહમૂદ ગઝની લૂંટારો હતો. તેણે 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું હતું. પરંતુ તેનું બીજું એક અપલક્ષણ હતું કે તે લૂંટ તો કરે જ, પણ મંદિરો તોડી નાખતો હતો. ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે, કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે, એ કૂતરાનું લક્ષણ છે એમ મોહમ્મદ ગઝનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, બેન-દીકરીઓને ઉઠાવી જાય અને હિન્દુ મંદિરો તોડી નાખે.

ભૂતકાળને ભૂલી જઈશું તો…

સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ઈતિહાસને લઈ નીતિન પટેલે હુંકાર કરતા કહ્યું કે, ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે. ઔરંગઝેબ અને ગઝની જેવા આક્રમણખોરો હિન્દુ ધર્મને કાયમી નુકસાન પહોંચાડી શક્યા નથી. સરદાર પટેલે દરિયાનું પાણી હાથમાં લઈ સોમનાથને ફરી ભવ્ય બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. કડીના 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલનમાં નીતિન પટેલે કરેલું સંબોધન હાલ ચર્ચામાં આવ્યું છે.

આ પણ વાંચો…સેવાના નામે ખ્રિસ્તી મિશનરીઓ કરાવે છે ધર્માંતરણઃ નીતિન પટેલ

પહેલા પણ આવા નિવેદન આપી ચુક્યા છે નીતિન પટેલ

આ પહેલા પણ નીતિન પટેલ આવા નિવેદનો આપી ચુક્યા છે. ડિસેમ્બર 2025માં ખ્રિસ્તી મિશનરીઓ પર નિશાન સાધતા નીતિન પટેલે કહ્યું, સેવાના નામે ખ્રિસ્તી મિશલરીઓ ધર્માંતરણ કરાવે છે. હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એક આતંકવાદીઓનો પક્ષધર, વિદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે. અને એક ફોસલાવી, હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા, હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું, આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે. આપણે ઘટતા જઈએ છીએ, ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું, વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. નિશાળ કરે, કપડાં આપે, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખોલે અને પેલા લોકો હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે. બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે. સેવા-શિક્ષણના માધ્યમથી ધર્માંતરણ સામે લડવા નીતિન પટેલનો હુંકાર કર્યો હતો.

આ પણ વાંચો…‘’આપ’ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઇના ઝાંસામાં નહીં આવે’: નીતિન પટેલે આક્રમક અંદાજમાં કરી નવી વાત…

આ નિવેદનના થોડા સપ્તાહ પહેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલે વિરોધી રાજકીય પાર્ટીઓને નિશાને લીધી હતી. તેમણે કહ્યું, હું કોઈ રાજકીય પાર્ટીની વાત કરતો નથી. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું ‘આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button