‘’આપ’ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઇના ઝાંસામાં નહીં આવે’: નીતિન પટેલે આક્રમક અંદાજમાં કરી નવી વાત…

કડીમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ અને AAP પર કર્યા આકરા પ્રહારો
મહેસાણા: કડી મુકામે સરદાર પટેલ ગ્રુપનું સ્નેહમિલન યોજાયું હતું. અવસર પાર્ટી પ્લોટમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ફરી તેમના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે વિરોધી રાજકીય પાર્ટીઓને નિશાને લીધી હતી. તેમણે કહ્યું, હું કોઈ રાજકીય પાર્ટીની વાત કરતો નથી. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP)ને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું ‘આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે. સ્નેહમિલનમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાનના રાજકીય પ્રહારો કરતાં રાજ્યમાં માહોલ ગરમાઈ શકે છે.
કડીમાં કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા દેશે નહીં
થોડા દિવસ પહેલા કડીમાં ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલેભ્રષ્ટાચાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું – તેઓ કડીમાં કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા દેશે નહીં.
અગાઉ ઝીરો-ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી હતી
નીતિન પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ ને ટાંક્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, “કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.” આ કથન દ્વારા તેમણે ભ્રષ્ટાચાર પ્રત્યેની તેમની ઝીરો-ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી હતી. આ ઉપરાંત તેમણે પૂર્વ પ્રધાન બચુ ખાબડનું નામ લીધા વગર આડકતરી રીતે તેમના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય, આ નિવેદન દ્વારા તેમણે સત્તામાં રહેલા વ્યક્તિની આસપાસના લોકોના ખોટા કામોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું હતું, અને જણાવ્યું હતું કે આવા કૃત્યો આખરે તેમના પદને પણ જોખમમાં મૂકી શકે છે.
કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર
નીતિન પટેલે આ દરમિયાન પોતાના ધારાસભ્યકાળમાં કડીમાં થયેલા વિવિધ વિકાસકામોની વિગતો પણ રજૂ કરી હતી અને કડીના વિકાસ માટેના તેમના યોગદાનને યાદ કરાવ્યું હતું. તેમણે સ્થાનિકા રાજકારણનો ઉલ્લેખ કરીને કહ્યું, ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું. સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘કડીને 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે.’
કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં
આ ઉપરાંત તેમણે કહ્યું, અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી. સાચું કામ કરો તો ઠીક… બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે, કહીને તેમણે પોતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી. હું બોલું છું તો ઘણાને ગમતું નથી, મારે તો બે બાજુ તકલીફ છે. તેમણે કડીના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.



