નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ: દિવ્યાંગજનો માટે ગુજરાત સરકારનું સંજીવની કવચ!

નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ: દિવ્યાંગજનો માટે ગુજરાત સરકારનું સંજીવની કવચ!

5 વર્ષમાં 77 હજારથી વધુ દિવ્યાંગજનોને ₹ 191 લાખનું આરોગ્ય વીમા કવચ

અમદાવાદઃ રાજ્યના દિવ્યાંગજન નાગરિકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.

નિરામયા હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું હતું.

બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટિપલ ડિસેબિલિટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે, જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જૂથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને કોઇ પણ પ્રકારની પૂર્વ તબીબી પરીક્ષા એટલે કે મેડિકલ ટેસ્ટની જરુરિયાત રહેતી નથી અને લાભાર્થી કોઇપણ માન્ય હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજાર સુધી હોય તો માસિક રૂ. ૨૫૦ અને કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજારથી વધુ હોય તેવા લાભાર્થીને માસિક રૂ. ૫૦૦નું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો…બાળકો પર લટકે છે ડાયાબિટિસની તલવારઃ ગુજરાત સરકારે શુગર બૉર્ડ બનાવવાનો આપ્યો આદેશ

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button