નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્ર્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્ર્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દીપાવલીની દીપમાળા, દીવડાઓની પ્રકાશજ્યોત અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે. તેમણે દિવાળીના આ પર્વો જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોતથી સજાવવાની અભ્યર્થના વ્યક્ત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ કરી છે.
મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, આપણે સૌ સત્ય નિષ્ઠાથી વિકાસ માટેના પ્રકાશ દીવડા પ્રગટાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની ઝળહળતી મશાલ પ્રજ્વલિત કરીએ. વિઝનરી લીડર અને વિશ્ર્વના લોકપ્રિય નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસના નાખેલા મજબૂત પાયાને સૌ કોઈ ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું છે તેમ પણ મુખ્ય પ્રધાને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે આ દીપાવલી અને નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથોસાથ સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્ર્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને તેવી અભિલાષા દર્શાવી છે.