ગરબા નિયમમાં નવો ટ્વીસ્ટ, 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડશો તો પોલીસ આવશે: હાઇકોર્ટ

ગઇકાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ગરબા 12 વાગ્યા પછી પણ લોકોને ગરબા રમવા દેવા, અને આ જાહેરાતને તમામ ગરબા આયોજકોએ હોંશે હોંશે વધાવી પણ લીધી હતી. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં કોર્ટે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.
ગુજરાતમાં નવરાત્રિ અંગે પહેલા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવામાં આવે અને લોકોને નુકસાન થાય તેમજ ધ્વનિ પ્રદૂષણ થાય તેવા કિસ્સામાં પોલીસે લાઉડ સ્પીકર બંધ કરાવવાની કાર્યવાહી કરવી પડશે. આ જ હુકમનું પાલન ચાલુ રાખવાની ચોખવટ કરતા કોર્ટે જણાવ્યું હતું કે જો કોઇ નાગરિક લાઉડ સ્પીકરથી હેરાનગતિની ફરિયાદ કરે તો પછી પોલીસે બંધ કરાવવાની કાર્યવાહી કરવી પડશે.
જો કોઈ પણ નાગરિક પોલીસ પાસે આવીને ફરિયાદ કરે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં.