ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આવી નવા મહેમાનોની જોડી
ગાંધીનગરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલિત ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ગત ઓગસ્ટ માસમાં સિંહનું મોત થતા સિંહની જોડી ખંડીત થઇ છે. સિંહણ ગ્રીવા એકલી પડી ગઇ છે ત્યારે તેને નર સિંહ મળી રહે તે માટે રજૂઆત કરવામા આવી છે. જોકે હાલમાં ઇન્દ્રોડા પાર્કમાં નવા સદસ્યોનું આગમન થયું છે. શક્કરબાગ ઝુમાંથી દીપડાની જોડી લાવવામાં આવી છે. જે હાલ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવી છે અને આગામી ૧૫ દિવસ બાદ મુલાકાતીઓ માટે પાંજરામાં ખુલ્લી મુકવામાં આવશે.
ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ શિક્ષણ માટેનું સ્થળ તો છે જ સાથે સાથે અહીં નાનું પ્રાણીસંગ્રહાલય પણ છે. પહેલા વન્ય પ્રાણીઓ નહીં હોવાને કારણે તેનું આકર્ષણ ઓછું હતું હવે અહીં સિંહ-વાઘ-દીપડા સહિતના પ્રાણીઓ ઓપન મોટ પ્રકારના પ્રાંજરામાં રાખવામાં આવે છે જેથી મુલાકાતીઓ તે જોવા ખાસ અહીં આવતા હોય છે. તેવી સ્થિતિમાં ગત ઓગસ્ટ મહિનામાં સિંહનું લાંબી બીમારી બાદ મોત થયા બાદ સિંહ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી. તો બીજીબાજુ પાર્કમાં એકલી પડી ગયેલી ગ્રીવા નામની સિંહણને નર સિંહ પાર્ટનરરૂપે મળી રહે તે માટેની દરખાસ્તો પણ ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે ઇન્દ્રોડા પાર્કને દીપડાની એક જોડી આવી છે.
જુનાગઢ ખાતે આવેલા શક્કરબાગ ઝુમાંથી ત્રણથી ચાર વર્ષની દીપડાની જોડી ઇન્દ્રોડા પાર્કને આપવામાં આવી છે ત્યારે હાલ આ દીપડાની જોડીને કવોરન્ટાઇન પિરીયડમાં રાખવામાં આવી છે. પાંજરામાં રાખીને તેની વર્તણૂક ઉપર નજર રાખવામાં આવી રહી છે. અહીંના વાતાવરણ અને ખોરાક તેને અનુકુળ આવે તે માટે પુરતો સમય તેને આપવામાં આવશે અને આગામી ૧૫ દિવસ બાદ મુલાકાતીઓ તેને જોઇ શકે તે રીતે પાંજરામાં ખુલ્લા મુકવામાં આવશે.