રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજાના જાહેર થયા નવા નિયમો: મળશે મેડિકલ અને ખાસ રજા | મુંબઈ સમાચાર

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજાના જાહેર થયા નવા નિયમો: મળશે મેડિકલ અને ખાસ રજા

ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને માટે ૨૦ માંદગી રજા અને ૧૫ ખાસ રજા આપવામાં આવશે. આ નિર્ણયનો કુલ ૧,૨૮૨ કર્મચારીઓને લાભ મળશે જેમાં ૧,૧૬૭ શૈક્ષણિક અને ૧૧૫ બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પ્રધાને કહ્યું હતું કે, રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડીકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બિમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન ૧૦ રજાઓ પુરા પગારમાં અથવા ૨૦ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે અગ્રેસર, 556 આઈટીઆઈમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ

આ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતા ૧૫ ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ લઇ જઈ શકાશે નહી તેમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button