NEET-UGની પરીક્ષામાં ગેરરીતિનો Godhraથી પર્દાફાશ; સાત લાખની રોકડ સાથે શિક્ષકની ધરપકડ
ગોધરા: દેશમાં સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં ગેરરીતિ સામે આવી છે અને તેમાં ઘણી ગેંગ પકડાઈ છે. ગુજરાતના ગોધરામાં પણ NEETની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હાલ આ બનાવને લઈને આરોપી શિક્ષકની રૂ. 7 લાખ સાથે ધરપકડ કરી છે. આખી ગેંગનો માસ્ટર માઇન્ડ કોચિંગ સેન્ટર ચલાવનાર વ્યક્તિ છે. જો કે તેને ભાજપના લઘુમતી મોરચાના આરીફ વહોરાએ મદદ કરી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: NEET EXAM: ગ્રેસ માર્કસ રદ, 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ, જાણો SCએ શું કહ્યું
ગોધરા જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીથી સમગ્ર કૌભાંડ પર પ્રકાશ પડ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મળેલી માહિતીના આધારે, જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે NEET પરીક્ષા કેન્દ્રમાં તપાસ દરમિયાન આરોપી શિક્ષકના વાહનમાંથી રૂ. 7,00,000 રોકડ જપ્ત કરી હતી.
આ કેસનો મુખ્ય આરોપી વડોદરામાં કોચિંગ સેન્ટર ચલાવનાર પરશુરામ રોય છે. જેણે ગોધરામાં ભાજપ લઘુમતી મોરચાના આરીફ વહોરા દ્વારા આખી ગેંગને ઓપરેટ કરતો હતો. આરોપીર 26 ઉમેદવારોની વિગતો આરીફની મદદથી ગોધરાની જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટને મોકલી હતી. જેને લઈને 6 પરીક્ષાર્થીઓએ ગોધરાની જય જલારામ શાળાના એક કેન્દ્રમાં અને બાકીના 20 વિદ્યાર્થીઓએ જય જલારામ શાળાના બીજા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો: NEET-UG: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
પરશુરામે આ તેમના વિદ્યાર્થીઓને જવાબ ન આવડતા હોય તેવા પ્રશ્ન છોડી દેવા કહ્યું હતું. પરીક્ષા પૂરી થયા બાદ તે પ્રશ્નોના જવાબ તુષાર ભટ્ટ ભરી દેશે તેવું નક્કી કરાયું હતું. દરેક વિદ્યાર્થી પાસેથી પાસ કરી દેવા માટે 10 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જો કે આ કામ પૂર્ણ થયા બાદ પરશુરામ રૉયને 26 કરોડ રૂપિયા મળવાના હતા. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
5 મેના રોજ પંચમહાલ કલેકટરે દરોડો પાડીને 7 લાખની રોકડ અને એક કાર કબજે કરી હતી. વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ. 2.82 કરોડના ચેકની લેવડદેવડનો ખુલાસો કર્યો છે.