NEET Scam: Gujaratની વિદ્યાર્થિની બારમામાં નાપાસ, પણ NEETમાં 705 માર્ક્સ

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટેની યુજી-નીટમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાની ફરીયાદો ઉઠી છે. અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો છે Supreme courtએ એનટીએને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. દરમિયાન ગુજરાતમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનારી એક વિદ્યાર્થિનીના નેશનલ ટેસ્ટિંગ એજન્સી (નીટ) પરિણામ અંગેની ચોંકાવનારી વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં એક વિદ્યાર્થિની ગુજરાત બોર્ડની 12 સાયન્સની પરીક્ષામાં બે વિષય નાપાસ હોવા છતા નીટની પરીક્ષામાં 720માંથી 705 માર્કસ મળ્યા છે.
ગુજરાત બોર્ડમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનારી એક વિદ્યાર્થિની ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં નાપાસ થઈ છે પરંતુ નીટની પરીક્ષામાં 720માંથી 705 માર્કસ મેળવ્યા છે અને ઓલ ઈન્ડિયામાં 1321 તેમજ કેટેગરીમાં 424મો રેન્ક મેળવ્યો છે. જોકે બોર્ડ પરીક્ષામાં નાપાસ હોવાથી નીટના આટલા સારા પરિણામ બાદ પણ મેડિકલમાં પ્રવેશ ન મળી શકે. આવા અનેક વિદ્યાર્થીઓના પરિણામમાં અને ગ્રેસિંગ બાબતે છબરડાની ફરિયાદો અને વધુ માર્કસ છતાં પણ રેન્ક ખૂબ જ પાછળ હોવાથી માંડી ફર્સ્ટ રેન્કિંગ મેળવનારા વિદ્યાર્થીઓના આગળ પાછળ રોલ નંબર હોવા સહિતના મુદ્દે પણ અનેક શંકાઓ ઉભી થઈ છે.
જોકે એનટીએ દ્વારા હજુ સુધી કોઈ વિગતવાર સ્પષ્ટતા કરાઈ નથી. 1500થી વધુ વિદ્યાર્થીઓને આડેધડ ગ્રેસિંગ આપી દીધા હોવાની ફરિયાદને પગલે ફરી નીટ પરીક્ષાની ઉગ્ર માંગ ઉઠી છે પરંતુ 24 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવી તે એનટીએ અને સરકાર માટે ખૂબ જ મોટો પડકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષા અને પરિણામ મામલે દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનથી માંડી વિદ્યાર્થી સંગઠનો આ મુદ્દે મેદાનમાં આવી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે. એબીવીપી દ્વારા નીટ પરીક્ષાના પરિણામમાં ગરબડો-ગેરરીતિને લઈને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે ત્યારે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે નીટ પરિક્ષાના પરિણામમાં છબરડા-ગોટાળા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.
Also Read –