Navsari: દીકરા, તારી સેવા કરવા હું પણ આવું છુંઃ આમ કહી પૌત્રના મોત બાદ દાદીએ પણ દેહ છોડ્યો

નવસારીઃ ગુજરાતના નવસારીમાં એક હૃદય ભરાઈ આવે તેવી ઘટના બની છે. અહીં એક યુવાન પૌત્રના મોતની ખબર સાંભળી દાદીને એટલો આઘાત લાગ્યો કે તેમણે પણ મિનિટોમાં પ્રાણ ત્યજી દીધા. વાત ગુજરાતના નવસારીની છે. અહીંની વિજલપુર પાલિકામાં કોર્પોરેટર એવા અશ્વિન કાસુંદરા બીમારીથી પરેશાન હતા. પૌત્ર બીમાર રહતો હોવાથી દૂર મોરબીના ગામડામાં રહેતા દાદી પણ ચિંતામાં રહેતા. બીમારી સામેનો જંગ આખરે અશ્વિનભાઈ હારી ગયા અને પાંચમી ફેબ્રુઆરીએ તેમણે છેલ્લો શ્વાસ લીધો.
દાદી મોટી ઉંમરના હોવાથી અને અશ્વિનભાઈ માટે હંમેશાં ચિંતામાં રહેતા હોવાથી તેમના મોતની ખબર તેમને બીજા દિવસે આપી. અશ્વિનભાઈની અંતિમ વિધિ થઈ ગઈ તે બાદ દાદીને તેમની ખબર આપવામાં આવી. જોકે પોતાની હયાતીમાં પૌત્રની વિદાય તેઓ સહન કરી શક્યા નહીં અને ખબર મળતા જ તેમણે પણ આંખ મીંચી લીધી. આ સમયે હાજર લોકોના કહેવા અનુસાર દાદીને ખબર મળતા જ તેઓ ભાંગી પડ્યા અને બોલ્યા કે દીકરા, હું પણ તારી સેવા કરવા આવું છું. આમ કહીને તેમણે પણ મિનિટોમાં પ્રાણ ત્યાગી દીધા.
કાસુંદરા પરિવાર એક સાથે બે સ્નેહીજનોને ખોવાનું દુઃખ વેઠી રહ્યો છે. દાદી અને દીકરાએ એકસાથે લીધેલી વિદાય પરિવાર માટે વજ્રઘાત સમાન છે. હાલમાં પડોશીઓ અને સગાસંબંધીઓ તેમને શાંત્વના પાઠવી રહ્યા છે.