નવસારીમાંથી 14 લાખની કિમતનો સંદિગ્ધ ઘી-તેલનો જથ્થો ઝડપાયો | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

નવસારીમાંથી 14 લાખની કિમતનો સંદિગ્ધ ઘી-તેલનો જથ્થો ઝડપાયો

રાજ્યમાં ઠેર ઠેર નકલી ચીજ વસ્તુઓના વેચાણ અને તેના પરિણામે જન આરોગ્ય જોખમાતું હોવાના અહેવાલોના આધારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયત્રણ શાખાએ દબાતે પગલે છાપેમારી શરૂ કરી છે. રાજ્યભરમાંથી લોકોના ખોરાકમાં જીવાત નિકળવી,પેક્ડ ફૂડમાં થી જીવાતો નિકળવી જેવી ઘટનાઓ સામે પણ ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે નવસારી જિલ્લામાંથી ઘી નો અને પામોલીન તેલનો આશરે 3000 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. 14 લાખ થવા જાય છે તે જપ્ત કર્યો છે.

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી અને લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુક્ત રેડમાં બારડોલી રોડ પર આવેલા ઓંચી ગામના એક પ્લોટમાંથી સુખવંત બ્રાન્ડના ભેળસેળ વાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં સુખવંત બ્રાન્ડનાં 100 મિલી, 500 મિલી ના પાઉચ તથા ડબ્બા અને 15 કિગ્રા ના ડબ્બા નો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવેલ હતો વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢી માં થી પામોલિન તેલ ના10 ડબ્બા પણ મળી આવેલ હતા જેનો ઉપયોગ ઘી માં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળતા પેઢીના માલિક વિકી રાજેશભાઇ ચોખાવાલા ની હાજરીમાં તેમની પાસેથી કૂલ 8 નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો આશરે 3000 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 14 લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

આ પણ વાંચો : Gujarat માં સુરત,નવસારી અને દીવમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

Back to top button