નવસારી: કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે મેદાનમાં, જોવા મળશે પાટીલ V/S પટેલનો જંગ?

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની ઈચ્છા ભરૂચથી ચૂંટણી લડવાની હતી પણ તે સપનુ સાકાર ન થતાં અંતે હવે તેમણે નવસારી સીટ માટે પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના સૂત્રો મળતી માહિતી મુજબ મુમતાઝે કોંગ્રેસ નેતૃત્વને નવસારી બેઠક પરથી ટિકિટ આપે તેવી વિનંતી કરી છે. આ બેઠક પરથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સાંસદ છે. ગુજરાત કોંગ્રેસ નવસારીથી મુમતાઝના નામની તરફેણમાં નથી પરંતુ સીઈસીની બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે.
નવસારી બેઠકની ટિકિટ મુમતાઝ પટેલને મળે તે માટે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પાર્ટી હાઈ કમાન્ડને સલાહ આપી છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારવા જોઈએ. જે બાદ નવસારી અને સુરત જિલ્લામાં કોંગ્રેસની બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે, મુમતાઝ પટેલનું ભવિષ્ય ઉજ્જવળ છે. આથી તેમણે નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે વિચારવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, નવસારી લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ટિકિટ આપી દીધી છે. હવે જો કોંગ્રેસ આ બેઠક પર મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારશે તો કાંટે કી ટક્કર જોવા મળી શકે છે.
આ પણ વાંચો
ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
ઉલ્લેખનિય છે કે ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન થવાથી ભરૂચ લોકસભાની બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જો કે આ બેઠક માટે અહમદ પટેલના સંતાનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે પ્રબળ દાવેદાર મનાતા હતા. જો કે આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ભરૂચ આવી હતી. જ્યાં રાહુલ ગાંધીને આવકારવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે આ સમયે પણ મુમતાઝ અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા નહોંતા જેના કારણે તેમની નારાજગીની આશંકા પ્રબળ બની હતી.