નવસારીમાં પીઆઈ આઇફોનની લાંચ લેતા ઝડપાયો, ધંધો બંધ કરાવી દેવાની આપી હતી ધમકી

ACB Trap: લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. નવસારીમાં પીઆઈ તાજેતરમાં લૉન્ચ થયેલા આઈફોનની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીને જાણ કરવામાં આવી હતી અને લાંચનું છટકું ગોઠવી પીઆઈને ઝડપી લેવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત પ્રમાણે, નવસારી જીલ્લામાં આવેલા ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે. પીઆઈએ ફરિયાદીને અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તમારે છુટક લાઇટ ડીઝલનું વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીંતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરી હતી.
આ પણ વાંચો : બોપલમાં MICAના વિદ્યાર્થીના હત્યા કેસમાં આરોપીનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર
ફરિયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં પીઆઈ, દીનેશ જમનાદાસ કુબાવત (વર્ગ-૨, મરીન પોલીસ સ્ટેશન, ધોલાઇ બંદર જી. નવસારી) રૂ.૧,૪૪,૯૦૦ ની કિંમતનો આઇફોન સ્વીકારતા પકડાયા હતા.