નોરતામાં રેઇનકોર્ટની જરૂર પડશે કે શું? હવામાન વિભાગે આપ્યો સંકેત

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રીનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસ ખેલૈયાઓ મનભરીને ઝુમ્યા ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ચિંતા છે કે, ગુજરાતમાં હવે આઠ દિવસ વરસાદ વરસશે કે નહીં? ત્યારે હવામાન વિભાગે આ અંગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ કોઇપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાંથી વરસાદનું જોર ઘટવાની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
આજે છૂટાછવાયા વરસાદ થવાની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ, દાદરાનગર હવેલીમાં આજે ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત રિજનમાં (સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લામાં) આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે.
બુધવાર સુધી હવામાનની સંભાવનાઓ
હવામાન વિભાગે આગામી બુધવાર સુધી હવામાનની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છથી જૂનાગઢ, સુરેન્દ્રનગર, ડીસા સુધીમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને ચોમાસાની વિદાય માટે ફેવરેબલ પરિસ્થિતિ બનેલી છે.