અમદાવાદના Paghdi Manની પાઘડી આ વર્ષે પણ જમાવશે આકર્ષણ: 40 હજારના ખર્ચે બનાવી છે પાઘડી

અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા તહેવાર નવલા નોરતાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને હવે નોરતાને આડે ગણતરીના જ દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદના એક યુવાનની પાઘડી જોઈને કોઈપણને ચોક્કસ ઘેલું લાગી શકે છે. દરવર્ષે જેની પાઘડી સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે તેવા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ગરબા ખેલૈયા અનુજ મુદલિયારે આ વર્ષે પણ અનોખા જ સંદેશ સાથે પાઘડી તૈયાર કરી છે. આ વર્ષે તેણે આત્મનિર્ભર ભારતની સાથે જ વડા પ્રધાન મોદી, સુરત ડાયમંડ બુર્સ અને કોલકતા તાલીમી તબીબ રેપ અને મર્ડર કેસના ન્યાયની માંગણી સાથે પાઘડી તૈયાર કરવામાં આવી છે.

દર વર્ષે નવરાત્રી પર અમદાવાદના એક યુવકની પાઘડી સૌનું આકર્ષણ ખેંચે છે અને આ વર્ષે પણ અમદાવાદના અનુજ મુદલીયારની પાઘડી ધૂમ મચાવવાની છે. અનુજ મુદલિયારે આ વર્ષે પણ એક અનોખા જ વિષય અને અનોખા સંદેશ સાથે મહાકાય પાઘડી તૈયાર કરી છે. આ વર્ષે તૈયાર કરેલી તેણી પાઘડીમાં આત્મનિર્ભર ભારત, પ્રધાનમંત્રી મોદી, સુરત ડાયમંડ બુર્સ ઉપરાંત કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની પણ ઝલક જોવા મળી છે.

પોતાની પાઘડીથી ખૂબ જ જાણીતા અમદાવાદના અનુજ મુદલિયાર છેલ્લા સાતેક વર્ષથી અલગ-અલગ પ્રકારની પાઘડીઓ બનાવે છે, ત્યારે આ વખતે તેના દ્વારા આત્મનિર્ભર ભારત થીમ ઉપર પાઘડી બનાવવામાં આવી છે. મુંબઈ સમાચાર સાથે ખાસ વાત કરતા અનુજ મુદલિયારે જણાવ્યું કે તેઓ છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રકારની પાઘડી બનાવે છે. આ વર્ષે પણ અનોખી પાઘડી તૈયાર કરવામાં આવી છે જેનું અંદાજિત વજન 4 થી 5 કિલો જેટલું છે. ઉપરાંત તેઓ જણાવ્યું છે કે આ પાઘડી બનાવવામાં અંદાજિત 35 થી 40 હજારનો ખર્ચ થયો છે. દર વખતે પોતાની અનોખી પાઘડીથી ઓળખાતા અનુજ મુદલિયાર પોતાની પાઘડી જાતે બનાવે છે. નવરાત્રી તહેવાર નજીક આવતા 3 – 4 મહિના પહેલા જ તેઓ પાઘડી બનાવવાની શરૂઆત કરી દે છે.
આ પણ વાંચો : ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! ગુજરાતમાં ત્રણ દિવસ આવું વાતાવરણ રહેશે
અનુજ મુદલિયારની પાઘડીની ખાસિયતની વાત કરવામાં આવે તો તે દેશમાં જે ઘટનાઓ બનતી હોય છે અને દેશમાં જેની ચર્ચા હોય છે તેવી ઘટનાઓને તેમની પાઘડીમાં સાંકળીને તેવી કોઇ થીમ પર પાઘડી બનાવે છે. આ વર્ષે પાઘડી બનાવવા માટે તેમને 2 થી 3 મહિના જેવો સમય લાગ્યો છે. આ અમદાવાદી યુવક દર વર્ષે નવરાત્રી પર અલગ પ્રકારની પાઘડી બનાવીને ચર્ચામાં રહે છે.