અંબાલાલ પટેલે વધારી ખેલૈયાઓની ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ |
Top Newsઆપણું ગુજરાત

અંબાલાલ પટેલે વધારી ખેલૈયાઓની ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ

અમદાવાદઃ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે ખેલૈયાની ચિંતા વધારતી આગાહી કરી હતી. હવામાન વિભાગ મુજબ, રાજયમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 24 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે, જેના પરિણામ રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ ઉપરાંત, સુરત અને તાપીમાં પણ મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથેની આગાહી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર અને અમરેલીમાં હળવા વરસાદ અને વીજળી પડવાની ઓછી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઇંચ, મહુવામાં 3.03 ઇંચ, પલસાણામાં 2.87 ઇંચ, સુબીરમાં 2.36 ઇંચ, ધરમપુરમાં 2.24 ઇંચ, કપરાડામાં 2.13 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ વરસાદ પડ્યો હતો. 37 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સરેરાશ 110.27 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97 ટકા, સૌરાષ્ટ્રમાં 95.18 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 24 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે.

આ સિસ્ટમના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતાઓ રહેશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button