છ વર્ષ બાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિ: એક વર્તુળમાં ખેલૈયાઓ એક તાલી ગરબો લેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છ વર્ષ બાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું હોઇ સુરતી લાલાઓ ગેલમાં આવી ગયા છે. સુરતીઓને પોતાનું મનપસંદ નવરાત્રી ડેસ્ટિનેશન ફરી મળ્યાનો આનંદ તેમના ચહેરાઓ પર સ્પષ્ટ દેખાય છે. ૧૫ વર્ષ પહેલાં ઇન્ડોર સ્ટેડિયમની નવરાત્રિમાં સુરતીઓ જવા પડાપડી કરતા કેમ કે શહેરમાં એ એક માત્ર એસી ડોમમાં દાંડિયારાસ યોજાતા હતા. હવે છ વર્ષ બાદ ફરી નવરાત્રિ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં એક લોકપ્રિય ગ્રુપ દ્વારા ઉજવાઇ રહી છે તેની ખેલૈયાઓમાં ભારે ઉત્તેજના જોવા મળે છે.
અહીં નવરાત્રિ આયોજકો દ્વારા વેસ્ટર્ન ગરબાની સાથે પ્રાચીન પરંપરા પણ જળવાઈ રહે તે પ્રકારનું આયોજન કરે છે. આ નોરતામાં સુરત અને ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો સાથે બોલીવૂડનું ઢોલી કિંગ તરીકે ઓળખાતું ઢોલી બીટ્સ બેન્ડ છે. આ ડોમ શહેરની મધ્યમાં જ આવ્યું હોવાથી અવરજવર ખૂબ સરળ બને છે. આ સાથે મહિલા ખેલૈયાની સુરક્ષાની દ્રષ્ટિએ પણ સાનુકૂળ છે. ૨,૫૦૦થી વધુ ખેલૈયાઓ અને ૭૦૦૦થી વધુ લોકોની કેપેસિટી ધરાવે છે. શહેરનું એકમાત્ર એસી ડોમ હોવાથી ખેલૈયાઓમાં આકર્ષક કેન્દ્ર બની રહ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ૧,૫૦૦ જેટલા ખેલૈયાઓએ રમવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. આ વર્ષે ગરબા શરૂ કરતાં પહેલાં પ્રથમ રાઉન્ડ શેરી ગરબાઓમાં રમાય અને તમામ ખેલૈયાઓનો કોમન સિંગલ રાઉન્ડ રમાડવામાં આવે અને તે પણ માત્ર એક તાળી સાથેના ગરબા જ રમાડવામાં આવે એવું આયોજન કરાયું છે.