Navratri 2024: ગુજરાતનું એક અનોખું મંદિર જ્યાં નવ દિવસ સુધી પ્રગટે છે ઘીના 1100 અખંડ દિવા
વડોદરા : ગુજરાતના શક્તિના પર્વ નવરાત્રીની(Navratri 2024)ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં અનેક મંદિરોમાં માતાજીની અનોખી રીતે ઉપાસના કરવામાં આવે છે. તેવા સમયે ગુજરાતમાં વડોદરાના શેરખીમાં આવેલા ગાયત્રી માતાના મંદિરમાં પ્રથમ નોરતાથી છેલ્લા નોરતાના દિવસ સુધી 1100 અખંડ દિવા પ્રગટાવવામાં આવે છે. આ હજારો દિવા માટે 1200 કિલોથી વધુ ગાયના શુદ્ધ ઘીનો વપરાશ કરવામાં આવે છે. આ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં નવરાત્રીના નવે નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે.
બ્રાહ્મણો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે
આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન મંદિરમાં પ્રજ્વલિત અખંડ દિવાની પવિત્રતા જળવાઈ રહે તે માટે 24 કલાક બ્રાહ્મણો દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. સવારથી સાંજ સુધી અને સાંજથી સવાર સુધી એમ જુદા જુદા સમય માટે જુદા જુદા બ્રાહ્મણો દેખરેખ રાખે છે.
1100 અખંડ દીપ પ્રજ્વલિત કરી માં શક્તિની અનોખી ભક્તિ
વડોદરા નજીક શેરખી ગામમાં ગાયત્રી ઉપાશક હર્ષદ બાપાની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 1100 અખંડ દિવા પ્રજ્વલિત કરી માતાજીની અનોખી ભક્તિ કરવામાં આવી છે. નવરાત્રીના નવ દિવસ સુધી આ 1100 અખંડ દીપ પ્રજવલિત રહેશે.