
જામનગર : ગુજરાતમાં હાલ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના અનેક શહેરો અને ગામમાં પરંપરાગત ગરબા અને રાસ પણ યોજવામાં આવે છે. જેમાં જામનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવતા સ્વસ્તિક રાસ(Swastik Raas)અનેરું આકર્ષણ જમાવે છે. જામનગરમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન લોકો સ્વસ્તિક રાસ કરતા જોવા મળ્યા હતા.
રાસની રમઝટ બોલાવીને માતાજીની આરાધના
આ રાસમાં ગરબી મંડળના સ્થળે સ્વસ્તિક દોરવામાં આવ્યો હતો. તેમજ તેની ફરતે અંગારા મૂકવામાં આવ્યા હતાં. સમગ્ર વિસ્તારમાં લાઈટો બંધ કરી અંધારૂ કરવામાં આવ્યું હતું. તેની બાદ સ્વસ્તિકની જ્યોતિ પ્રગટાવવામાં આવી હતી. સ્વસ્તિકની પ્રજવલિત જ્યોતિની વચ્ચે લોકો દ્વારા રાસની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ રાસ સમયે સમગ્ર જામનગરની જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વસ્તિક રાસ નિહાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્વસ્તિક એ એક શક્તિશાળી પ્રતીક છે જે હિંદુ ધર્મમાં મહત્વનું માનવામાં આવે છે. જે સંસ્કૃત શબ્દ “સ્વસ્તિક” પરથી ઉતરી આવેલ છે. જેનો અર્થ થાય છે સુખાકારી. આ પ્રાચીન પ્રતીક વિવિધ સંસ્કૃતિઓમાં વિવિધ અર્થો ધરાવે છે.