આજે રાષ્ટ્રીય અંગદાન દિવસઃ ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની પ્રતીક્ષામાં
અમદાવાદઃ આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે. ત્યારે એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી આઠ વ્યક્તિને નવજીવન મળે છે. જોકે હજુ અંગદાન મામલે જોઈએ તેવી જાગૃત્તિ આવી નથી. ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કિડનીમાં અંદાજે 1865 અને લીવરના 344 દર્દી અંગદાનની રાહમાં છે.
ચાર વર્ષમાં 537 બ્રેનડેડ વ્યક્તિએ અન્યોને જીવન આપ્યું
રાજ્યમાં વર્ષ 2019 થી 2021 દરમિયાન 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022 થી જુલાઇ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થયા છે. વર્ષ 2019ની સરખામણીમાં ગત વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128 ટકા અને અંગોના દાનમાં 176 ટકાનો વધારો નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 99 ઓર્ગન રીટ્રીવલ અને 31 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત થયા છે.
પાંચ વર્ષમાં કુલ 1654 દર્દીઓમાં પ્રત્યારોપણ
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. જેમાં 908 કિડની, 468 લીવર, 117 હ્રદય, 114 ફેફસા, 14 સ્વાદુપિંડ, નવ નાના આંતરડા અને 24 હાથનો સમાવેશ થાય છે. જોકે, કેડેવર ડોનેશનમાં હજુ જાગૃતિ વધે તો લાઇવ ડોનર પર મદાર રાખવાનું પ્રમાણ ઘટી શકે એમ છે.
કેડેવર ડોનેશન હજુ પણ ઓછું
રાજ્યમાં હાલ કિડની માટે 1865, લીવર 344, હૃદય 19, ફેફસા માટે 27 અને સ્વાદુપિંડ માટે નવ વેઇટિંગ છે. વર્ષ 2022 પ્રમાણે કેડેવર અંગદાનને મામલે તેલંગાણા 194 સાથે મોખરે, તામિલનાડુ 156 સાથે બીજા, કર્ણાટક 151 સાથે ત્રીજા, ગુજરાત 148 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 105 સાથે પાંચમાં સ્થાને છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનથી 495ને નવજીવન
અંગદાન અને પ્રત્યારોપણ મામલે સરકારી હોસ્પિટલો સારી કામગીરી કરે છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 27મી ડિસેમ્બર 2020માં સૌપ્રથમ અંગદાન થયું હતું. અત્યાર સુધી 158 બ્રેઇનડેડ અંગદાતા પાસેથી મળેલા કુલ 622 અંગોથી 495 વ્યક્તિને નવજીવન મળ્યું છે. મળેલા અંગોમાં 138 લિવર, 282 કિડની, નવ સ્વાદુપિંડ, 48 હૃદય, 6 હાથ, 26 ફેફસાં, બે નાના આંતરડા, ત્રણ ત્વચા અને 108 આંખનો સમાવેશ થાય છે.