ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) દ્વિતિય રાષ્ટ્રીય લોક અદાલતનું(Lok Adalat) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડને શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો વગેરે સ્વરૂપના આશરે 4,37,140 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 2,51,712 કેસોનો સુખદ નિવેડો આવ્યો હતો. જેમાં આશરે રૂ. 1267,70,07,307 રૂપિયાનું સમાધાન થયું છે.
સૌથી વધુ કેસોમાં સમાધાન સુરત જિલ્લામાં
આ ઉપરાંત રાજ્યના કુલ 3,23,450 પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલું છે અને રૂ. 725,17, 82,567ના રૂપિયાનું સમાધાન થયેલ છે. ઇ-ચલણના કુલ 2,85,733 કેસો પૂરા થયા જેનાથી રૂ. 15,44,00,935 વસૂલી શકાયા છે. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3376 તકરરોનો પણ લોક અદાલતથી અંત લાવવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસોમાં સમાધાન સુરત જિલ્લામાં થયું છે.
કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં લોક અદાલતનું આયોજન
રાજ્યની લોક અદાલતમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં આયોજિત આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ બીરેન.એ. વૈષ્ણવ દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને માર્ગદર્શન આપ્યું હતું.