આપણું ગુજરાત

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ૪૦૦થી વધુ મહાનુભાવોએ કોન્ફરન્સમાં ભાગ લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને એનઈપી કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં એનઈપી અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતા કેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું.મુખ્ય પ્રધાને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને રાજ્યના પ્રધાનોની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી ‘એનઈપી એસઓપી’ બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્વોલિટી એજ્યુકેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય અંતર્ગત શિક્ષણની બેસ્ટ પ્રેક્ટિસમાં ઉપયોગી બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦થી વધુ મહાનુભાવોએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો જૂની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્ર્વાસ તેમણે દર્શાવ્યો હતો. હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button