આપણું ગુજરાત

પોરબંદર લોકસભા બેઠક પર નાથા ઓડેદરા કૉંગ્રેસનો ચહેરો બની શકે છે: આપમાંથી રાજીનામું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે હવે પોરબંદરના અગ્રણી નાથાભાઇ ઓડેદરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતરી શકે છે.

ગુજરાતમાં આપને ભરુચ અને ભાવનગર એમ બે બેઠક જ ફાળવવામાં આવી હોવાથી પોરબંદરના અગ્રણી અને આપના પ્રદેશ પ્રમુખ નાથાભાઇ ઓડદેરાએ આપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો સંપર્ક સાધ્યો છે. તેમણે અર્જુન મોઢવાડિયા સામે પેટા ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી છે. નાથા ઓડેદરા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે. પોરબંદર વિધાનસભા બેઠકની ચૂંટણી લડવાની તેમણે ઇચ્છા વ્ચક્ત કરી છે. નાથા ઓડેદરાએ પોતાના ૧૫ જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા અંગે તેમણે જણાવ્યું હતું કે, અમારી ગુંડા વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. આવાં તત્ત્વો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરીને જેલમાં નાખ્યા છે. ત્યારે એક વ્યક્તિને પાર્ટીમાંથી મે સસ્પેન્ડ કર્યો હતો. ત્યારે પાર્ટી તરફથી તેની સાથે સમાધાન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં પાર્ટીને કહ્યું છે કે, કોઇપણ સંજોગોની અંદર ગુંડાગીરી સાથે આમ આદમી પાર્ટીનું કોઇ હશે તો અમારે પાર્ટી ભેગું નથી રહેવું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આખા ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ બે સીટના ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકે મને પણ પૂછવું જોઇએ. કારણ કે પોરબંદરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની મારી તૈયારી હતી. તેથી મારી સાથે ૧૫ હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરીશ અને આગળની રણનીતિ નક્કી કરીશ. જો કોંગ્રેસ તરફથી પોરબંદર બેઠક પરથી મને પેટા ચૂંટણી લડાવશે તો ચૂંટણી લડીશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button